• ટયુશન કલાસીસ સંચાલક બન્યા પાણીપુરી વિક્રેતા

  • દશ મહિનાથી ટ્યુશનક્લાસ બંધ થતા શિક્ષકે ઘરનું ગુજરાન ચલાવવા શરૂ કરી પાણીપુરીની લારી

  • પાણીપુરી કેવી રીતે બનાવવી તે શીખવા શિક્ષકે લીધો યુટ્યુબનો સહારો

  • M.Com સુધીનો અભ્યાસ કરેલા યુવાને સેહશરમ રાખ્યા વિના શરૂ કરી પાણીપુરીની લારી


રક્ષિત પંડ્યા/રાજકોટ :શિક્ષક એ સમાજનો નિર્માતા માનવામાં આવે છે. પરંતુ આજના આ કપરા સમય દરમિયાન શિક્ષકની પણ પરિસ્થિતિ કફોડી બની છે. આજે શિક્ષક પોતાના ઘરનું ગુજરાન ચલાવવા અન્ય ધંધા તરફ વળી રહ્યો છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જે બાદ અનલોક પણ કરવામાં આવ્યું. જેમાં મોટાભાગના ધંધા રોજગાર શરૂ કરવા છૂટ આપવામાં આવી છે. પરંતુ આજે છેલ્લા 10 મહિનાથી ટ્યૂશન કલાસ અને શાળા કોલેજો હજુ પણ લોક જોવા મળી રહી છે. રાજકોટના એક ટ્યુશન સંચાલકની વાત કરીએ તો, ક્લાસિસમાં આવક ન થતા દોઢ લાખની લોનના હપ્તા માટે તેને પાણીપુરીની લારી શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ વર્ષથી કોચિંગ ક્લાસિસ ચલાવું છું
રાજકોટ શહેરના કુવાડવા રોડ પરના સ્ટાર ગેલેક્સી એજ્યુકેશન નામથી ટ્યુશન ચલાવતા સંચાલક અને કોચિંગ ક્લાસિસ એસોસિએશનના સભ્ય જય કારીયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી કોચિંગ ક્લાસિસ ચલાવે છે અને વર્ષ 2019 માં કુવાડવા રોડ સ્થિત નવા ક્લાસ શરૂ કર્યા હતા. પરંતુ 3 મહિના કલાસ કાર્યરત રહ્યા બાદ લોકડાઉન જાહેર થતા આજે 10 માસથી ક્લાસિસ બંધ છે. પરંતુ ભાડું યથાવત છે અને લોનના EMI ચાલુ છે, માટે ઇન્કમ ઉભી કરવા પાણીપુરીની લારી શરૂ કરવામાં આવી છે. 


ક્લાસિસની બરોબર સામે જ કોઈ શરમ વગર પાણીપુરીની લારી શરૂ કરી દીધી છે. એટલું જ નહિ, શરૂઆતમાં બજાર જેવી પાણીપુરી લોકોને આપવી તે માટે શું કરવું તે વિચારને લઈ યુટ્યુબનો સહારો લીધો અને તેમાં જોઇ બાદમાં પાણીપુરી બનાવતા શીખ્યું હતું. પાંચ પ્રકારના પાણી બનાવવા માટે અલગ અલગ ફ્લેવરના પાવડર ખરીદી કંઇ નવું આપવાનું શરૂ કર્યુ છે અને આગળ પણ લોકોને નવી વાનગી આપવા કોશિશ કરશે. 


રાજકોટમાં 30% ટ્યુશન સંચાલકે શરૂ કર્યા અલગ અલગ બિઝનેસ
રાજકોટ ટ્યૂશન ક્લાસિસ કોચિંગ એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 400 જેટલા ટ્યૂશન કલાસીસ સંચાલકો છે, જે પૈકી 250 લોકો એસોસિએશન સાથે સંકળાયેલા છે. પરંતુ આ સમયમાં લોકડાઉન બાદ બંધ ટ્યુશન ક્લાસિસ કારણે વિદ્યાર્થીઓને ભણાવવાનું છોડી અલગ અલગ બિઝનેસ તરફ વળી ગયા છે. જે દુઃખની વાત છે. સરકાર ટ્યૂશન કલાસ શરૂ કરવા મંજૂરી આપે તેવી બે હાથ જોડી વિનંતી છે.