ગૌરવ દવે/રાજકોટ :ગાડી પર રેસ લગાવવાની લ્હાયમાં અનેક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે. ક્યારેક આ રેસ જિંદગીની અંતિમ રેસ બની જતી હોય છે અને એવુ મોત મળે છે કે કોઈ સપનામાં પણ વિચારી નહિ શકે. રાજકોટ જામનગર હાઈ વે પર ગઈકાલે રાત્રે ઍક્સેસ બાઈક ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાતા બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તો એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ચારથી પાંચ બાઈક સવારોએ એકસાથે રેસ લગાવી હતી. પૂરઝડપે ગાડી હંકારવામાં આ યુવકોને રોડનો ટર્ન લેતા સમયે ટ્રિપલ સવારી ઍક્સેસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પહેલાનો વીડિયો સોશિલ મીડિયામાં વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જામનગર હાઈવે પર મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. એક્સેસ પર ત્રણ યુવાનો ત્રિપલ સવારી જતા હતા. પડધરી સર્કલ પાસે એક્સેસ ટર્ન લેવા જતા ડિવાઈડર સાથે અથડાયુ હતું. જેમાં ત્રણેય યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કે ત્રીજો યુવક હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યો છે. 



પોલીસ તપાસમાં અકસ્માતને ભેટનાર ત્રણેય યુવકો જોખમી સ્ટંટ કરતા હોવાનુ સામે આવ્યુ હતું. ચારથી પાંચ બાઈક સવારોએ જામનગર રાજકોટ હાઈવે પર બાઈક રેસ લગાવી હતી. યુવકો માટે આ જ બાઈક રેસનો શોખ જીવલેણ બન્યો હતો. અકસ્માતમાં વિશાલ મનોજભાઈ જાદવ (ઉં.વ.25) અને પરેશ હકાભાઈ સાકરિયા (ઉં.વ.23) નું મોત નિપજ્યુ છે. મોતને ભેટનાર બંને યુવકો પિતરાઈ ભાઈ હતા. જ્યારે કે 16 વર્ષના કરણ ભરતભાઈ હાલ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યો છે. 



બાઈક સ્ટંટ જીવલેણ બને છે
પોલીસ દ્વારા વારંવાર સૂચનાઓ મળવા છતા અનેક યુવકો રાતના સમયે ખાલી રસ્તા પર જોખમી બાઈક સ્ટંટ કરે છે. ખાલી રસ્તા પર કરાતા બાઈક સ્ટંટ ક્યારે જીવલેણ બને છે તે તેમને ખબર પણ પડતી નથી. બાઈક સ્ટંટના સમયે અકસ્માતમાં અત્યાર સુધી અનેક યુવાઓએ જીવ ગુમાવ્યો છે. રાજકોટના હાઈવે પર થયેલા આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. હાઈવે પરથી પસાર થતા જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં બાઈક રેસનો વીડિયો કેદ કર્યો હતો. જે તેમણે પોલીસને સોંપ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ યુવકોની ગેંગ હાઈવે પર બાઈક રેસ લગાવીને ગાડી દોડાવી રહ્યા હતા, જેમાં અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે.