24 કલાકની અંદર જ રાજકોટ આગકાંડમાં 3 તબીબોની ધરપકડ બાદ જામીન મંજૂર
રાજકોટ અગ્નિકાંડમાં ગંભીર બેદરકારી દાખવનાર પાંચ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા ડો. તેજસ કરમટાની સોમવારે સાંજે ધરપકડ કરી હતી
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ત્રણેય ડોક્ટરોના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. ત્રણેય તબીબો ડો. પ્રકાશ મોઢા, ડો.તેજશ કરમટા અને ડો. પ્રકાશ મોઢાના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસે તમામ તબીબોની બે દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે ત્રણેય ડોક્ટરને જામીન પર મુક્ત કર્યાં છે. ત્રણેય ડોક્ટરની ધરપકડ થઈ તેના હજુ 24 કલાક પણ થયા નથી તે પહેલા જ તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
રાજકોટ અગ્નિકાંડમાં ગંભીર બેદરકારી દાખવનાર પાંચ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા ડો. તેજસ કરમટાની સોમવારે સાંજે ધરપકડ કરી હતી. આજે ત્રણેય ડોક્ટરને રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્રણેય ડોક્ટરને જજ એલ.ડી. વાઘની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે પોલીસની માગણી ફગાવતા ત્રણેય ડોક્ટરને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાત્રિ કર્ફ્યૂમાં સુરતના ભૈયાનગરમાં મોતનો ખેલ ખેલાયો, બે મિત્રોએ મળી યુવકની હત્યા કરી
તબીબોનો પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ
તો બીજી તરફ, ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં માલવિયા પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ થયો છે. જે હાલ ચર્ચામાં છે. હોસ્પિટલના તબીબ આરોપીઓ આરામથી સોફા પર બેઠા હોય તેવુ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આરોપીઓ પાસે ટેબલ પર મિનરલ વોટરની બોટલો તેમજ ફ્રુટ્સ પડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં અગ્નિકાંડના સંચાલકો ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટા દેખાઈ રહ્યા છે
પોલીસે રવિવારે સાંજે જ ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા અને ડો.તેજસ કરમટાની અટકાયત કરી ત્રણેયનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. સોમવારે સાંજે ત્રણેયનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તપાસનીશ અધિકારી PI ધોળાએ ત્રણેયની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ઈન્દિરાબેનના મોતનો અમદાવાદ સિવિલના તંત્ર પર આરોપ, નેગેટિવ રિપોર્ટ છતાં કોવિડ વોર્ડમાં દાખલ કર્યાં