રાજકોટઃ રાજકોટના લોકોને સરકારે વધુ એક ભેટ આપી છે. રાજકોટના માધાપર ચોકડી પર સિક્સ લેન ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જરૂરી આંતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યું  છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે હવે દેશ ને આ વિઝનરી લીડરશિપ  નો લાભ મળતો થયો છે.


દેશમા ૯ વર્ષમાં ૩ લાખ ૨૮ હજાર કી. મી.ના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના ૩૭ કી. મી. હાઈવેનુ નિર્માણ થઇ રહ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢ માળખાને વધુ વિકસિત કરવા માટે  રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં  માર્ગ મકાન વિભાગ માટે રૂ. ૨૦,૬૦૦ કરોડ જેટલી રકમ ફાળવી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.


આ પણ વાંચોઃ ગુટખા-પાન મસાલા ખાનારા ચેતી જજો, ગુજરાતમાં વધુ એક વર્ષનો પ્રતિબંધ લંબાવાયો


હાઇવેને ફોરલેન બનાવવા માટે ૨૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે એટલું જ નહિ હાઇવે સાથે મોટા શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું. આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે એમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.


કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ઓવરબ્રિજના પ્રવેશ પાસે પરંપરાગત રીતે શ્રીફળ વધેરીને બ્રિજને ખુલ્લો મુક્યા બાદ શુભારંભ થયેલા બ્રિજ પર સફર કરી હતી.  


અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના હસ્તે શરૂ થનાર આ બ્રીજ રૂ. ૬૦ કરોડથી વધુના ખર્ચે બન્યો છે, તેની લંબાઇ ૧૧૨૫ મીટર અને ૨×૧૧ મીટર પહોળાઇ છે, આ ઓવરબ્રિજની બંને તરફ ૮.૮ મીટર પહોળાઈના સર્વિસ રોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ બ્રીજ સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધાથી સજ્જ છે. ઓવરબ્રિજના વાહનની સુગમ અવરજવર માટે માધાપર ચોકડી પર ૫૦ મીટર અને માધાપર ગામથી ઈશ્વરીયા પાર્ક તરફ જવા માટે ૩૦ મીટર પહોળાઈનું જંકશન પણ બનાવવામાં આવેલ છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube