Rajkot News : રંગીલું રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત ‘માડી’ ગરબા પર 1 લાખ લોકો વર્લ્ડ રેકોર્ડ સર્જશે. સાથે જ રાજકોટવાસીઓને ‘SAY NO TO DRUGS’  ના શપથ લેવડાવવામાં આવશે. ઈન્ક્રિડેબલ ગ્રૂપ, રાજકોટ શહેર ભાજપ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું આયોજન કરાયું છે. આ ભવ્ય આયોજનમાં વડોદરાના ગરબાનો રેકોર્ડ તોડવામાં આવશે. સિંગર પાર્થિવ ગોહિલ પ્રધાનમંત્રી લેખિત ‘માડી’ ગરબા રમાડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ નવરાત્રિના અવસરે તેમના દ્વારા લિખિત એક ગરબો 'માડી' શેર કર્યો હતો. જેના પર શરદ પૂનમના રોજ રાજકોટવાસીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 1 લાખ કરતાં વધુ લોકો ગરબા રમશે. અગાઉ વડોદરામાં 60 હજાર લોકોએ એકસાથે ગરબા રમવાનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે વડોદરાનો આ રેકોર્ડ રાજકોટ દ્વારા તોડવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બોલિવૂડ ગાયક પાર્થિવ ગોહિલ 1 લાખ જેટલા ખેલૈયાઓને માડી ગરબાના તાલે ઝૂલાવશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી, બે મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહેશે.


ગરબાના આયોજક ઈન્ક્રેડિબલ ગ્રૂપના યોગેશ સોલંકીએ જણાવ્યું કે, સાંજે 7 થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી ગરબા રમાડવામાં આવશે. ગરબા આયોજન માટે 500 તબીબો ખડે પગે રાખવામાં આવશે. તો આ માટે 75 હજાર વિદ્યાર્થીઓ અને વાલીઓને ગરબામાં આમંત્રણ આપવામાં આવ્યું છે. 500 કરતા વધુ સ્વયંસેવકો, પોલીસ સહિતનો બંદોબસ્ત તૈનાત રહેશે. 


આ મહારાસમાં ભાગ લેવા માટે કોઈ પણ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. તમામ ખેલૈયાઓને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. જોકે, અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્વનિર્ભર શાળા સંચાલકો પાસેથી તેમજ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી એન્ટ્રી પાસ આપવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમના સમયે કોઈને એન્ટ્રી કરાવવી હોય તો તે પાસ વગર પણ થઈ શકશે. તેમજ ઓનલાઈન રજીસ્ટ્રેશન સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. 


પાર્કિંગની વ્યવસ્થા
આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉમટી પડવાના હોય તે માટે તંત્ર દ્વારા તેમજ રાજકોટ શહેર ભાજપ સહિત તમામ સંગઠનો દ્વારા પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત એરપોર્ટ રોડ પર, રેસકોર્સ રીંગ રોડ, બાલભવન પાસે, પોલીસ હેડ ક્વાર્ટર પાસે, બહુમાળી ભવન પાસે તેમજ ચૌધરી ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે.