રાજકોટના નબીરાઓની આવારાગીરી, ન્યારી ડેમમાં પૂરના પાણી વચ્ચે જીપ સ્ટંટ કર્યો
Rajkot Stunt Video Viral :રાજકોટમાં નબીરાઓની આવારાગીરીનો વીડિયો ચોંકાવનારો છે. યુવકોએ નદીની વચ્ચે જીપ લઈને સ્ટંટ કર્યા હતા. ન્યારી ડેમ પર તેઓએ જીપની બોનેટ પાણીમાં ડૂબી જાય ત્યાં સુધી ગાડી હંકારી
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતના નબીરાઓ હવે સ્ટંટના ખેલ કરવાના શોખમાં ચઢ્યા છે. ગઈકાલે અમદાવાદની બે યુવતીઓના હવામાં હાથ અદ્ધ કરીને બાઈક ચલાવતા વીડિયો વાયરલ થયા હતા. જેના બાદ હવે રાજકોટના નબીરાઓનો સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. ન્યારી ડેમમાં પૂરના પાણી વચ્ચે યુવકોએ જીપ હંકારી હતી. હાલ પૂરના પાણીને પગલે નદીમાં જવાની મનાઈ છે, એક તરફ લોકો જીવ બચાવીને ત્યાંથી નીકળી રહ્યાં છે અને તંત્ર ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામમાં જોડાયેલુ છે, ત્યાં આ નબીરાઓએ જીવની પરવાહ કર્યા વગર પૂરના પાણીમાં જીપ હંકારી હતી.
રાજકોટમાં નબીરાઓની આવારાગીરીનો વીડિયો ચોંકાવનારો છે. યુવકોએ નદીની વચ્ચે જીપ લઈને સ્ટંટ કર્યા હતા. ન્યારી ડેમ પર તેઓએ જીપની બોનેટ પાણીમાં ડૂબી જાય ત્યાં સુધી ગાડી હંકારી હતી. એટલુ જ નહિ, એક તરફ જ્યાં જીપ બિન્દાસ્તપણે હંકારવામાં આવી રહી હતી, ત્યાં બીજી તરફ બે યુવકો જીપમાં બંને સાઇડ ઊભા રહી હાકલા-પડકારા કરતા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઈ રહ્યો છે.
એક તરફ રાજકોટ મનપા દ્વારા વરસાદને પગલે નદી તેમજ ડેમ નજીક જવાની મનાઈ ફરવામાં આવી છે ત્યારે બીજી તરફ આ વીડિયોએ તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યાં છે. યુવકો દ્વારા નદીમાં જોખમી રીતે કાર ચલાવી સોશિયલ મીડિયામાં દબંગાઈ કરતો જોખમી વીડિયો બનાવ્યો છે. આ વીડિયો ન્યારી ડેમનો હોવાની આશંકા છે.