રાજકોટ : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના પત્રને પગલે પોલીસબેડામાં ચકચાર જગાવી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્‍સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખ્યો હતો. જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15 ટકા હિસ્‍સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ નિવેદન આપી ગોવિંદ પટેલની વાતને સમર્થન આપ્યું છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અગાઉ મેં પણ પોલીસ વિરુદ્ધ ફરિયાદો કરેલી જ છે અને ગોવિંદભાઈ આ કેસને લઈને જ્યારે ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા ત્યારે હું એની સાથે હતો. ગોવિંદભાઇને આખી વાતને હું સમર્થન આપું છું. કમિશનરનું કામ ઉઘરાણી કરવાનું છે. જમીનોના સેટલમેન્ટ કરવાનું છે. પોલીસની હપ્તાખોરીનું કામ ચાલુ જ છે. જે ખરેખર ન થવું જોઈએ. 


સરકારે પગલાં ભરવા જોઇએ. મેં ઉપર ધ્યાન દોર્યું હતું કે કોઈની ફરિયાદ નથી લેતા. હવે આને સારી પોસ્ટ ન મળવી જોઈએ. બાકી સરકારને કાયદાની રૂએ જે પગલાં હોય તે લેવા જોઈએ. અત્રે નોંધનીય છે કે, આ લેટર બોમ્બના કારણે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઇ છે. નેતાઓને પણ નહી છોડતી પોલીસ સામાન્ય પ્રજા પાસે તો કેવા ઉઘરાણા કરતી હશે તે જોવું જ રહ્યું. 


જો કે ગોવિંદ પટેલના પત્ર બાદ પોલીસ કમિશ્નર ક્યાં છે તે અંગે કોઇને માહિતી નથી. જેપીસી ખુરશીદ અહેમદે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સીપી ક્યાં છે તે અંગે મને માહિતી નથી. મનોજ અગ્રવાલ ભુગર્ભમાં ઉતરી ગયા છે. ગણતરીનાં દિવસોમાં મનોજ અગ્રવાલની બદલી નિશ્ચિત માનવામાં આવી રહી છે.