Holi 2023 જયેશ દોશી/નર્મદા : કહેવાય છે કે વૃંદાવન  જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવસમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પરંતુ જે રીતે વૃંદાવનમાં હોળી ઉજવામાં આવે છે, તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવસમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી મનાવી રહી છે અને તેનું કારણ એ જ છે કે, એક માન્યતા મુજબ કૃષ્ણએ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાળીસ દિવસ સુધી હોળી મનાવી હતી. જેમાં ચોથું છે પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સમાજ. તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે. જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય છે અને 41 મો દિવસ એ ડોલોત્સવ તરીકે ઉજવાય છે જે ધુળેટી તરીકે પણ પ્રખ્યાત છે.


વૈષ્ણવાચાર્ય ગોવિંદ બાવા કહે છે કે, આમ તો હોળી એ રંગનો ઉત્સવ છે. પરંતુ હાલ કુદરતી રંગોનું સ્થાન કેમિકલવાળા રંગોએ લેતા હવે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ગુલાબના ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી મનાવવામાં આવે છે. જેમાં મુખ્ય તો રસિયાઓમાં કૃષ્ણ ભક્તિનો ભાવ જ હોય છે. સતત 40દિવસ સુધી રાજપીપળાના વલ્લભ મંડળ, વિઠ્ઠલ મંડળ અને યમુના મંડળની બહેનો દ્વારા કૃષ્ણ ભક્તિ રૂપી રસિયા ગવાય છે. વળી આ રસિયા મૂળ તો વ્રજમાં ગવાય અને રમાય. પરંતુ દરેક વૈષ્ણવ વ્રજમાં જઈ ના શકતા હોવાને કારણે ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આ હોળી રસિયા રમાય છે.


સ્થાનિક મહિલા ભારતીબેન પરીખ કહે છે કે, એક માન્યતા પ્રમાણે હોળી એ ભક્તપ્રહલાદની યાદમાં મનાવાય છે અને સાથે જ કૃષ્ણએ ગોપીઓ સાથે  રંગોનો આ ઉત્સવ મનાવ્યો હોવાની વાત છે અને વૈષ્ણવ સંપ્રદાય માં તો રસિયા ગાઈ હોળી મનાવવાનું અનોખું મહત્વ છે. જેમાં સંપ્રદાયની તમામ મહિલાઓ એક થઇ કૃષ્ણ મગ્ન થઇ રસિયા ગાય છે. રસિયા એ કૃષ્ણભક્તિમાં હોળી ગીતો છે. 


હોળીના પર્વને હજુ થોડા દિવસ બાકી છે, પરંતુ તે પહેલા જ નર્મદા જિલ્લામાં વૈષ્ણવ સમાજની મહિલાઓ દ્વારા હોળીની ઉજવણી શરુ કરી દેવાઈ છે. મહિલાઓ દરરોજ અલગ અલગ સ્થળે જઈ શ્રીજી ભગવાનની પૂજા કરી ગુલાલ અને કેસુડાના રંગથી હોળીની ઉજવણી કરી નાચગાન કરે છે અને મસ્તીમાં ઝૂમે છે અને હોળીના ગીતો પણ ગાય છે. વૈષ્ણવ સમાજની મહિલાઓ બરસાનાની હોળીની જેમ હોળી ખેલે છે અને આ હોળી ખેલી કૃષ્ણભક્તિમાં લીન થઇ ધન્યતા અનુભવે છે.


આજના આધુનિક યુગમાં તહેવારોની પરંપરા ભુલાઈ રહી છે ત્યારે ભગવાનને યાદ કરી તેઓના અનુકરણ મુજબના ધાર્મિક તહેવારો ઉજવવામાં ભારત અગ્રેસર રહ્યું છે જે એક ગૌરવ સમાન છે.