રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે કોંગ્રેસને N=[T/(S+1)]+1 ફોર્મ્યુલામાં ફસાવી દીધી
ગુજરાત વિધાનસભામાં કુલ બેઠક 182 છે, પરંતુ વર્તમાનમાં વિધાનસભામાં કુલ 175 સભ્ય છે, જેમાંથી ભાજપની પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 છે
નવી દિલ્હીઃ રાજ્યસભાની ગુજરાતમાંથી ખાલી પડેલી બે બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે. આ બંને સીટ ભાજપના અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા લોકસભા ચૂંટણી જીતવાના કારણે ખાલી થઈ હતી. કોંગ્રેસની ઈચ્છા હતી કે આ બંને બેઠક પર એકસાથે ચૂંટણી કરવામાં આવે, પરંતુ ચૂંટણી પંચે બંને ચૂંટણી જુદી-જુદી એટલે કે દરેક સીટ માટે અલગ-અલગ મતદાન યોજવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે આ બાબતને સુપ્રીમમાં પડકારી હતી, પરંતુ સુપ્રીમે પણ તેમની માગણી ફગાવી દીધી હતી.
આ બંને સીટ માટે હવે 5 જુલાઈના રોજ અલગ-અલગ મતદાન યોજાશે. સુપ્રીમ કોર્ટના ચૂકાદાની સાથે જ કોંગ્રેસ દ્વારા એક સીટ જીતવાનો પ્લાન નિષ્ફળ તતો જોવા મળી રહ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ સંજીવ ખન્ના અને બી.આર. ગવઈની બેન્ચે ગુજરાત કોંગ્રેસને આ બંને સીટ પર પેટાચૂંટણી પુરી થઈ ગયા પછી 'ચૂંટણી અરજી' દાખલ કરવાની છૂટ આપી છે. ચૂંટણી અરજી દ્વારા સંસદીય, ધારાસભા અને સ્થાનિક ચૂંટણીના પરિણામ સામે સવાલ ઉઠાવી શકાય છે.
ચૂંટણી પંચની અધિસુચના મુજબ અમિત શાહને લોકસભા ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર 23 મેના રોજ મળ્યું હતું, જ્યારે સ્મૃતિ ઈરાનીને 24 મેના રોજ મળ્યું હતું. આથી બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર આવી ગયું છે. ચૂંટણી પંચે આ આધારે જ રાજ્યમાં રાજ્યસભાની ખાલી પડેલી બંને સીટને અલગ-અલગ માની છે. જોકે, ચૂંટણી માટેનું મતદાન એક જ દિવસે યોજાશે.
કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાએ નોંધાવી ઉમેદવારી
કોંગ્રેસને કેવી રીતે થયું નુકસાન?
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠક છે, પરંતુ વર્તમાનમાં કુલ 175 સભ્ય છે. જેમાંથી ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 છે. રાજ્યસભા ચૂંટણી માટે ધારાસભ્યો હવે આ બંને સીટ માટે 2 અલગ-અલગ બેલેટથી મતદાન કરશે. એક ઉમેદવારને જીતવા માટે 88 વોટની જરૂર હશે, પરંતુ કોંગ્રેસ પાસે માત્ર 71 ધારાસભ્ય જ છે. આથી કોંગ્રેસ પાસે આ બંનેમાંથી એક પણ સીટ જીતવાની કોઈ તક જોવા મળી રહી નથી.
શું છે N=[T/(S+1)]+1 ફોર્મ્યુલા?
રાજ્યસભાની ચૂંટણી N=[T/(S+1)]+1 ફોર્મ્યુલાના આધારે થાય છે. અહીં N નો અર્થ વિજય માટે જરૂરી વોટ થાય છે. Tનો અર્થ કુલ મતદારની સંખ્યા અને Sનો અર્થ કુલ ખાલી સીટ થાય છે.
ભાજપના રાજ્યસભાના ઉમેદવાર એસ જયશંકર અને જુગલજીએ ભર્યું ઉમેદવારી ફોર્મ
આ ફોર્મ્યુલાના હિસાબે રાજ્યસભાની ગુજરાતમાં ખાલી પડેલી સીટનું ગણીત કંઈક આવું છે..N=[175/(2+1)]+1. હવે જો તેને સરળ રીતે કરીએ તો N=[T/(S+1)]+1 = 59.3333333 થાય છે. એટલે કે, એક સીટ માટે ઓછામાં ઓછા 60 વોટ પ્રાપ્ત થવા જરૂરી છે. એટલે કે, ખાલી પડેલી આ બંને સીટ માટે જો એકસાથે મતદાન કરવામાં આવતું તો કોંગ્રેસ એક સીટ આરામથી જીતી શકે એમ હતી. હવે, અલગ-અલગ મતદાન કરવાનું હોવાથી દરેક સીટ માટે 88 વોટની જરૂર પડશે. જેની સામે કોંગ્રેસ પાસે માત્ર 71 ધારાસભ્ય જ છે.
આમ, રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બંને સીટ ભાજપની પાસે જ રહેશે. ભાજપ દ્વારા આ બે સીટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોરને ઊભા રાખવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસે ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે. રાજ્યસભાની આ બે સીટ માટે 5 જુલાઈના રોજ મતદાન યોજાવાનું છે.
જૂઓ LIVE TV....