રાજ્યસભાની ચૂંટણીના તમામ ડખા દૂર, ઘીના ઠામમાં પડ્યું ઘી
રાજ્યસભાની ચૂંટણી થઈ બિનહરીફ, કોંગ્રેસ અને ભાજપના બે-બે ઉમેદવારો મેદાનમાં
અમદાવાદ : આજે રાજ્યસભાની ચૂંટણીમાંથી ઉમેદવારીપત્રક પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આજના દિવસે રાજ્યસભા માટે ભાજપમાંથી ત્રીજા ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણા અને અપક્ષ ઉમેદવાર પી. કે.વાલેરાએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા હવે ગુજરાતની ચારેય બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.
લેટેસ્ટ પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતમાંથી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા ભાજપમાંથી જ્યારે નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક કોંગ્રેસમાંથી રાજ્યસભામાં બિનહરીફ ઉમેદવાર તરીકે જશે.
રાજ્યસભામાં નારણ રાઠવાની ઉમેદવારી છેલ્લી ઘડી સુધી ચર્ચામાં હતી. નારણ રાઠવાની ઉમેદવારીનો મામલો ફોર્મ ભરાયા ત્યારથી જ ચર્ચામાં હતો. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. આ સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામે ઉમેદવારો સામે વાંધા અરજી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા નારણ રાઠવા અને કોગ્રેસ દ્વારા પરસોત્તમ રૂપાલા સામે વાંધા અરજી કરવામાં આવી હતી. જોકે નારણ રાઠવાનું ફોર્મ મંજૂર થઈ જતા ચૂંટણીના મેદાનમાં માત્ર મુખ્ય ઉમેદવારો કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક તેમજ ભાજપના પરસોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા રહ્યા હતા.
નારણ રાઠવાના ઉમેદવારી પત્રને મંજૂરી મળ્યા પછી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે નારણભાઈ રાઠવા સામે કોઈ મુદ્દો નહોતો પણ વિરોધીઓએ ગઈ કાલથી અફવાનું બજાર ચલાવ્યું. તેમણે આજે છેલ્લી ઘડી સુધી મુદ્દો સળગતો રાખ્યો. વિવાદ પછી પણ આખરે સત્યમેવ જયતે એટલે કે સત્યનો વિજય થયો છે.