ગાંધીનગરઃ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સુરત શહેરના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ  2011થી 2016ના તેમના કાર્યકાળ દરમિયાન પોલીસ વેલ્ફેર ફંડના 20 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના  એકાઉન્ટમાં જમા કરાવ્યાના અહેવાલને પાયાવિહોણો અને સત્યથી વેગળો ગણાવ્યો છે. 
મહત્વનું છે કે સુરતના એક નિવૃત પીએસઆઈએ તત્કાલિન સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પર આરોપ  લગાવ્યો હતો કે, તેઓ સુરતના પોલીસ કમિશનર હતા ત્યારે, તેમણે પોલીસ વેલ્ફેર ફંડમાંથી 20 કરોડ રૂપિયા  ભારતીય જનતા પાર્ટીના ફંડમાં જમા કરાવ્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે વાત કરતા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહે કહ્યું કે,  પીએસઆઈના આરોપોની સુરત પોલીસ કમિશનરે રેકોર્ડ સાથે તપાસ કરતા રાકેશ અસ્થાના સુરતના સીપી તરીકેના  કાર્યકાળ (2011-2016)ના સમયગાળામાં આવી રકમનો એક પૈસો પણ ભાજપમાં જમા કરાવવામાં આવ્યો નથી. 


પ્રદીપસિંહે કહ્યું કે, એક નિવૃત પીએસઆઈને હાથો બનાવીને ગુજરાત અને ભાજપને બદનામ કરતા આવારા તત્વો  ખુલ્લા પડી ગયા છે. તેમણે કહ્યું કે, ગુજરાત અને ભાજપને બદનામ કરવા માંગતા તત્વો આવા પાયા અને પૂરાવા  વગરના સમાચારો તરતા મૂકે છે. ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ચાલ વિકાસની રાજનીતિ સામે ફેલ  જવાની છે. 


સુરત પોલીસ કમિશનરની સ્પષ્ટતા
સુરત પોલીસ વેલ્ફેર ફંડ મામલે સુરત પોલીસે સ્પષ્ટતા કરી છે. રાકેશ અસ્થાના પરના આરોપોને સુરત પોલીસ કમિશનરે ફગાવ્યા હતા. તેમણે ભાજપમાં ફંડ ડાયવર્ટ કર્યાની વાતને પાયાવિહોણી ગણાવી છે. ઉલ્લેખનીય છે કે રાકેશ અસ્થાના પર રૂપિયા 20 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના અને હાલ CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, આ કેસ 15 ઓક્ટોબરના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. એફઆઈઆર મુજબ, રાકેશ અસ્થાના પર લાંચ લેવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે. રાકેશ અસ્થાનાએ મોઈન કુરેશીનો કેસ બંધ કરવાના બદલામાં લાંચ લીધી છે. આ મામલામાં પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી મનોજ પ્રસાદ (મિડલમેન)નું નિવેદન લેવામાં આવ્યું છે. મનોજ દૂબઈમાં રહે છે. આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. કોર્ટે 29 ઓક્ટોબર સુધી રાકેશ અસ્થાનાની ધરપકડ ન કરવા માટે કહ્યું હતું.