નવી દિલ્લીઃ ભક્તિ ભાવ અને દાન દક્ષિણાની વાત આવે ત્યારે ગુજરાતીઓ એમાં કોઈનાથી પાછા પડે તેમ નથી. તમને થશે કે અહીં વાત અદાણી અને અંબાણીની થતી હશે, કારણકે, એમાંથી વધારે ધનવાન ગુજરાતી આજની તારીખમાં ભારતભરમાં બીજું કોઈ નથી. જોકે, અહીં વાત આ બન્ને ઉદ્યોગપતિઓની નથી. રામમંદિરમાં દાન આપવાની વાત આવી ત્યારે બીજા ગુજરાતીઓએ અદાણી અને અંબાણીને પણ પાછળ પાડી દીધાં. ત્યારે એવું કહેવાનું મન થાય કે, ખમ્માં તને ઘણી ખમ્માં! એ પણ જાણવા જેવું છેકે, રામ મંદિરમાં અંબાણીથી લઈને અદાણી સુધી કોણે કેટલું દાન આપ્યું? દાન આપવામાં કયા ગુજરાતીનો હાથ રહ્યો સૌથી ઉપર....જાણો વિગતવાર....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે ધામધૂમથી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી. ખુબ જ ઉમંગ અને ઉત્સાહભેર દેશભરમાં રામલલ્લાને 500 વર્ષ બાદ ફરી એકવાર તેમના જન્મ સ્થાને બિરાજમાન કરવામાં આવ્યાં. ભગવાન રામએ દેશ અને દુનિયાભરમાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. વાત આસ્થાની હોય અને દાન-દક્ષિણાની હોય તો પછી ગુજરાત અને ગુજરાતીઓનો જોડો ક્યાંય જડે તેમ નથી. રામમંદિર સૌથી વધારે દાન આપવામાં પણ ગુજરાતીઓ જ અવલ્લ છે. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે, આ ગુજરાતી અંબાણી કે અદાણી નથી. એવા પણ ગુજરાતીઓ છે જેમણે અદાણી અને અંબાણી કરતા પણ વધારે રૂપિયા રામ મંદિર માટે ખુલ્લા હાથે દાન આપ્યું. 


ઉલ્લેખનીય છેકે, અયોધ્યામાં રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં દેશના વિવિધ ખૂણેથી આવેલા મહેમાનોએ ભાગ લીધો હતો. આ મહેમાનોમાં રાજકીય વ્યક્તિઓથી લઈને બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસ પર્સનાલિટી સુધીની દરેક વ્યક્તિ સામેલ હતી. દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના સમગ્ર પરિવાર સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.


અંબાણી પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીએ તેમના પરિવારના સભ્યો સાથે મળીને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને 2.51 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ પ્રસંગે મુકેશ અંબાણી સાથે તેમની પત્ની નીતા, પુત્રી ઈશા અને જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધૂ શ્લોકા મહેતા અને ટૂંક સમયમાં જ થનારી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ પણ હતા. ચાલો જાણીએ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કયા ઉદ્યોગપતિએ કેટલું દાન આપ્યું? દાવો કરવામાં આવી રહ્યો છે કે અંબાણી પરિવાર અત્યાર સુધીમાં રામમંદિર માટે 10 કરોડ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. જોકે, અહીં વાત કરીશું એવા ખમીરવંતા ગુજરાતીઓની જેમણે રામમંદિરમાં દાન આપવામાં સૌ કોઈને પાછળ પાડી દીધાં.


સુરતના એક વેપારીએ રામ મંદિર માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપ્યું છે. આ હીરાના વેપારીનું નામ દિલીપ કુમાર લાઠી છે. જેમણે રામમંદિર માટે 101 કિલો સોનું દાનમાં આપ્યું છે. તેની કિંમત અંદાજે 68 કરોડ રૂપિયા કરતા પણ વધારે થાય છે. આ સોનાનો ઉપયોગ દરવાજા, ત્રિશૂળ અને ડમરુમાં કરવામાં આવ્યો છે. દિલીપ કુમાર લાઠી અને તેમના પરિવારની સુરતમાં સૌથી મોટી હીરાની ફેક્ટરી છે. 


આ ઉપરાંત અન્ય એક ગુજરાતીની વાત કરવામાં આવે તો એ નામ છે ગોવિંદકાકાનું. ગોવિંદભાઈ ધોળકિયા ગુજરાતના ઉદ્યોગજગતનું એક બહુ મોટું નામ છે. ખાસ કરીને ગુજરાતમાં બિઝનેસ જગતના લોકો એમને ગોવિંદકાકા કહીને બોલાવે છે. રિપોર્ટ અનુસાર સુરતના રહેવાસી અને ગુજરાતના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે.


રામ મંદિરના નિર્માણ માટે ગૌતમ અદાણી દ્વારા કેટલું દાન આપવામાં આવ્યું છે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. તેણે દાન આપ્યું છે કે કેમ તેની પણ માહિતી બહાર આવી નથી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મરે ફોર્ચ્યુન બ્રાન્ડ સાથે અભિષેક સમારોહ માટે પ્રસાદ તૈયાર કર્યો હતો.


આ ઉપરાંત હેવેલ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે મંદિરમાં લાઈટિંગની જવાબદારી સંભાળી હતી. હેવેલ્સ ઇન્ડિયાના પ્રમુખ પરાગ ભટનાગરે જણાવ્યું હતું કે અમારી કંપનીએ રામ મંદિરની લાઇટિંગ સિસ્ટમનો ઐતિહાસિક પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.


ત્રીજા એક ગુજરાતીની વાત કરવામાં આવે તો એ નામ છે એક સંતનું. કરોડો લોકો જેમને ફોલો કરે છે તેવા ગુજરાતીનું. અહીં વાત થઈ રહી છે જાણીતા કથાકાર મોરારી બાપૂની. સહયોગી વેબસાઈટ ડીએનએમાં પ્રકાશિત અહેવાલ મુજબ, મોરારી બાપુએ અધિકારીઓને 16.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ સિવાય રામ મંદિર માટે દાન આપતા મંદિરોની વાત કરીએ તો પટનાનું મહાવીર મંદિર સૌથી આગળ છે. પટનાના મહાવીર મંદિરે રામ મંદિરના નિર્માણ માટે 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)