કોરોનાએ રામલીલાના કલાકારોના પેટ પર મારી લાત, નહિ મળે ક્યાંય કામ
રામલીલા (ramlila) દશેરા મહોત્સવ મંડળ દ્વારા વર્ષ 1962 થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું. ત્યારે આ વર્ષે મંડળ દ્વારા માત્ર સ્ટેજ બનાવી ભગવાનની પૂજા અર્ચના કરાશે
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના મહામારીએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનના કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવતા અનેક કલાકારોને પણ આર્થિક નુકસાન થયુ છે. અમદાવાદના ખોખરામાં છેલ્લા 58 વર્ષથી સતત યોજાતી રામલીલા પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રામલીલા (ramlila) દશેરા મહોત્સવ મંડળ દ્વારા વર્ષ 1962 થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું. ત્યારે આ વર્ષે મંડળ દ્વારા માત્ર સ્ટેજ બનાવી ભગવાનની પૂજા અર્ચના કરાશે.
58 વર્ષની રામલીલાના પરંપરા તૂટી
કોરોનાને લીધે 59માં વર્ષે રામલીલાનું આયોજન ના થતા કલાકારો તેમજ સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, ડેકોરેશન, સાફ સફાઈ જેવા જુદા જુદા કામ સાથે સંકળાયેલા લોકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે. રામલીલા માટે અન્ય રાજ્યોમાંથી 20 જેટલા કલાકારો આવતા અમદાવાદ આવતા હતા. મથુરા, આગ્રા અને બિહારથી આવતા કલાકારોને રોજગારી મળતી હતી, પરંતુ કોરોનાએ તમામની આવક છીનવી લીધી. આ ઉપરાંત જે સ્થાનિક લોકો આ કામ સાથે જોડાયેલા હતા, તે લોકોની રોજગારી પર બ્રેક લાગી છે.
રાવણ દહનનો કાર્યક્રમ પણ કેન્સલ
રામલીલા બાદ મંડળ દ્વારા દર વર્ષે દશેરા પર રાવણદહનનો કાર્યક્રમ પણ કરાતો હતો. જે આ વર્ષે મોકૂફ રખાયો છે. રાણ દહનમાં દરવર્ષે 8,000 થી 10,000 લોકો એકઠા થતા હતા. પરંતુ કોરોના ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનનો કાર્યક્રમ પણ નહિ યોજવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી જાહેર ઉજવણી પણ કેન્સલ કરાઈ છે. આવામાં નવરાત્રિથી લઈને દિવાળી સુધીના કોઈ તહેવારો નહિ ઉજવાય. જેથી તહેવારો સાથે સંકળાયેલા બિઝનેસ કરતા લોકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવશે.