આ દિગ્ગજ નેતાએ પાટણના રાજકારણને અલવિદા કર્યુ, ફેસબુક પોસ્ટમાં લખ્યું-હું અતિદુખી છું
Patan Politics : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણથી રાજુલ દેસાઈને ટિકિટ અપાતા રણછોડ દેસાઈ દુખી હતા, ત્યારે હવે તેઓએ ફેસબુક પોસ્ટ દ્વારા પાટણની જવાબદારીમાથી મુક્ત થવાની જાહેરાત કરી
Gujarat Politics પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણ ભાજપમાં મોટો અપસેટ સર્જાયો છે. પાટણ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય એવા પૂર્વ સંસદીય સચિવ રણછોડ દેસાઈએ પાટણ ભાજપનાં રાજકારણને અલવિદા કર્યું છે. રણછોડ દેસાઈએ પાટણ ભાજપનાં રાજકારણને છોડ્યું છે. આ સાથે જ રણછોડ દેસાઈનો પાટણનો 27 વર્ષનો નાતો તૂટ્યો છે. રણછોડ દેસાઈએ પોતાના ફેસબુક એકાઉન્ટથી પોસ્ટ શેર કરીને પાટણનાં રાજકારણમાંથી મુક્તિ લીધાની જાહેરાત કરી છે.
પાટણનાં રાજકારણમાં ભાજપનાં ઉમેદવાર રાજુલ દેસાઈની હાર બાદ પાટણનાં રાજકીય સમીકરણ બદલાયા હતા. પાટણ બેઠક પર 2022 ની વિધાનસભા ચૂંટણીમાં રણછોડ દેસાઈની ટિકિટ કાપી રાજુલ દેસાઈને લાવવામાં આવ્યા હતા. આ બાદ પાટણ ભાજપનાં જૂથવાદને લઈ રણછોડ દેસાઈ દુઃખી હતા. ત્યારે હવે તેમણે પાટણમાં ભાજપના રાજકારણમાંથી મુક્તિ લેવાની જાહેરાત કરી છે. જોકે, તેઓ ભાજપ પક્ષમાં સક્રિય રહેશે. તેઓએ માત્ર પાટણના રાજકારણથી મુક્તિની જાહેરાત કરી છે.
રણછોડ દેસાઈએ પોસ્ટમાં લખ્યું કે, આજે હું અતિ દુઃખી છું. રણછોડ દેસાઈએ પાટણ ભાજપને અલવિદા કહેતા સોશિયલ મીડિયામાં રણછોડ દેસાઈના સમર્થનમાં અનેક લોકોએ જવાબ આપ્યા હતા. રણછોડ દેસાઈ આજે પાટણનાં સર્કિટ હાઉસ ખાતે પોતાના સમર્થકો અને પાટણવાસીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે.
ફેસબુક પોસ્ટ પર લખ્યું કે...
સહ્રદયી પાર્ટીના સૌ કાર્યકર્તા શુભેચ્છકો મારા હીતચિંતકોને નત મસ્તક વંદન કરુ છું. પાર્ટીના નિયમો મુજબ હું પાટણથી મુક્ત થયો છું. પાટણ, વાગડોદ વિસ્તારના સૌ સમાજે મને સ્વીકારી ખુબ પ્રેમ આપ્યો છે. સતત 27 વર્ષનો આપ સૌનો સથવારો પરિવાર જેવો થયો હતો. આજ હું અતિ દુઃખી છું. આજ ચૂંટણી પતે માંડ ૧૫ દિવસ થયા છે. અનેકો અનેક કાર્યકર્તા, આગેવાનો ફોન કરી પાટણ આવવા જણાવે છે. પાર્ટીથી પર રહી સંબંધો મજબુત કરવા વિનંતી કરે છે, પણ હું સિધ્ધાંતોથી મજબૂર છું. નવા ઉમેદવારની જવાબદારી હોઈ મારી હાજરી ક્યાંક સંદીગ્ધતા ઊભી થવાની શક્યતાઓ રહી છે. તમારો આગ્રહી પ્રેમ આવકારનો રુણી છું તમે મારામાં મુકેલ વિશ્વાસમાં હું ખરો (ન્યાય) ઉતરવામા પાછી પાની કે પીછેહઠ કદાપી નથી કરી તેનેા આનંદ છે. સંજોગો આધીન મળીશું...