મામા સમજીને યુવતીએ જેના ઘરમાં આશરો લીધો તે ભુવાએ જ દાસી બનાવીને યૌન શોષણ કર્યું
ભુવાની પત્નીને યુવતીના પિતાએ બહેન માની હતી. તે સંબંધથી તે બિપીનના ઘરે અવરજવર કરતી હતી અને આ યુવતી બિપીનને મામા તરીકે સંબોધન કરતી હતી
પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બાદ ઢોંગી ભુવાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
તેજશ મોદી/સુરત :મામા કહેતી યુવતીનું ભુવા દ્વારા યૌન શોષણ કરાયાની ઘટના બનતા સુરતમાં ચકચાર મચી ગઇ છે. પીડિતાને મેલી વિદ્યાની ભુવા દ્વારા ધમકી આપવામાં આવી હતી, અને સાથે સાથે પરિવારને પણ બ્લેક મેજિકના મારફતે પતાવી દેવાની ધમકી ભુવાએ આપી હતી. જોકે પોલીસની પકડથી બચવા માટે લંપટ ભુવા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. હાલ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
સુરતના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભૂવા ગીરીએ પોતાને મામા કહેતી 21 વર્ષીય યુવતીનું યૌન શોષણ કર્યું હતું. ભુવાએ યુવતીના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી અને તેનું યૌન શોષણ કર્યું હતું. એટલું જ નહિ, યુવતી સાથે વારંવાર બળાત્કાર કર્યા બાદ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી. પાંચ મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ ભુવાએ દગો દેતા યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉગત વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પહેલાં રાંદેર આવાસમાં રહેતાં હતાં, જ્યારે સમાજમાં ભૂવા તરીકે ઓળખાતા અને હાલ ઉગત આવાસમાં રહેતાં ૪૦ વર્ષીય બિપીન ગોવિંદ સોંધરવા અડાજણ વિસ્તારમાં રહેતો હતો. ભુવાની પત્નીને યુવતીના પિતાએ બહેન માની હતી. તે સંબંધથી તે બિપીનના ઘરે અવરજવર કરતી હતી અને આ યુવતી બિપીનને મામા તરીકે સંબોધન કરતી હતી.
આ પણ વાંચો : પીએમ મોદીએ જેમને મળવા પ્રોટોકોલ તોડ્યો હતો, તે મિત્ર હરીભાઈનું નિધન થયું
વર્ષ 2002માં યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષે તેના પિતાએ બીજાં લગ્ન કર્યા હતા. તેને સાવકી માતા સાથે ફાવતું ન હોવાથી આ યુવતી બિપીનભાઈ જ્યાં રહેતા હતા ત્યાં રહેવા જતી રહી હતી. 2018 માં આ ભૂવાની પત્ની તેને છોડીને જતી રહેતાં બિપીન પણ ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. ભુવો યુવતીના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપતો હતો. તેણે યુવતીને પોતાના સાથે રહેવા બોલાવી યૌનશોષણ કર્યું હતું. ભુવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ યુવતીને તરછોડી દીધી હતી અને બાદમાં અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો. તે યુવતીને સતત ધમકી આપતો હતો કે, તારા પરિવારના સભ્યોને બ્લેક મેજીક મારફતે પતાવી નાંખીશ. યુવતીએ ભુવા સામે ફરિયાદ નોંધાવતા હવે તેની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકારણે કાકા-ભત્રીજાને એકબીજાના વેરી બનાવ્યા, અમદાવાદમાં ખોખરા વોર્ડમાં આરપારનો જંગ
ઢોંગી ભુવો બિપિન સોંધરવા દ્વારા પોતાની કરતા અડધી વયની યુવતીનું યૌન શોષણ કરી તેને દાસી તરીકે રાખી તેમજ ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભુવા વિરુદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જોકે આ બાદ ઢોંગી ભુવો ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બાદ ઢોંગી ભુવાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર પ્રકરણમાં લંપટ ભુવા બિપિન સોનધરવાનો વીડિયો વાયરલ થયો છે. લંપટ ભુવો હોવાનો ઢોંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં લંપટ ભુવો વીડિયોમાં અન્ય ભુવાઓને ઠગ કહેતો નજરે આવ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં ચૂંટણી જીતવા કોંગ્રેસને લોખંડના ચણા ચાવવા પડશે, એસસી સેલના પ્રમુખ ભાજપમાં જોડાયા