સુરત બળાત્કાર કેસઃ મને બદનામ કરવાનું ષડયંત્ર, નાર્કો ટેસ્ટ માટે તૈયારઃ છબિલ પટેલ
રાજકીય કિન્નાખોરી રાખીને મને ફસાવવાનો પ્રય્તન થઈ રહ્યો છે.
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર જયંતિ ભાનુશાળી બળાત્કાર કેસમાં આજે વધુ એક ખુલાસો થયો છે. આ કેસમાં આરોપી પીડિતાનો પૂર્વ પતિ મીડિયા સામે આવ્યો હતો. તેણે આ પીડિતા પર અનેક આક્ષેપો કર્યા છે. આ સાથે તેણે અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ પર પણ ધમકીભર્યા ફોન કરવાનો આરોપ લગાવ્યા છે. તો આ મુદ્દે છબિલ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રાજકીય કિન્નાખોરી રાખીને મને ફસાવવાનો પ્રય્તન થઈ રહ્યો છે.
પીડિતાનો પતિ હવે કેમ બહાર આવ્યો?: છબિલ પટેલ
છબિલ પટેલે કહ્યું કે, આ કેસમાંથી તમામનું ધ્યાન ભટકાવવા માટે પૂર્વ પતિએ મારૂ નામ લીધું છે. મેં તેને ધમકીભર્યા ફોન કર્યા હોય તો આટલા સમય પછી કેમ સામે આવ્યો છે. તેણે તે સમયે પોલીસ ફરિયાદ કેમ કરી નથી. જ્યારે ભાનુશાળી પર કેસ ચાલી રહ્યો છે ત્યારે તે કેમ પ્રગટ થયો છે. તો તેને અર્થ થાય કે તેને જયંતિ ભાનુશાળી સાથે સંબંધ છે અને આ યુવક તેના ઈશારે કામ કરી રહ્યો છે.
જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આરોપ કરનાર પીડિતાએ પૂર્વ પતિના આરોપ ફગાવ્યા, કહ્યું- મને ન્યાય જોઈએ
હું કોઇપણ ટેસ્ટ કરાવવા તૈયાર
પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલે કહ્યું કે, આ ઘટનામાં મારો અને ભાનુશાળીનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે. જો ટેસ્ટ થશે તો સત્ય બહાર આવશે. ભાનુશાળી મારી સામે ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ હું ભાજપમાં જોડાયો અને પાર્ટીએ મને ટિકિટ આપી તે વાતથી તેમને મારી સાથે સમસ્યા હોય શકે છે. મને બદનામ કરવાનું ષડયંત્ર છે. મારા પર આરોપો લગાવીને આ કેસને ડાયવર્ડ કરવામાં આવી રહ્યો છે.