સાબરકાંઠાઃ સાબરકાંઠાના ભાવપુર ગામે અનુપમ સિરામિક કંપનીની ફેક્ટરીમાં એક 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના બહાર આવતાં લોકોનાં ટોળેટોળાં કંપની પર ઉમટી પડ્યાં હતાં. ગુસ્સે ભરાયેલાં લોકોએ કંપનીની 2 ગાડી અને ફેક્ટરીની ઓરડીને આગ ચાંપી દીધી હતી. કંપનીના માલિક અને સ્ટાફ જીવ બચાવવા માટે ભાગી છુટ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવપુર ગામમાં આવેલી અનુપમ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં કંપનીમાં જ કામ કરતા મજૂરે એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરવાની ઘટના બહાર આવી છે. બળાત્કારની વાત વાયુવેગે ફેલાઈ જતાં લોકોનાં ટોળેટોળાં કંપની પર ઉમટી પડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ ફેક્ટરીમાં તોડફોડ કરવાનું ચાલુ કર્યું હતું. 


આથી, ડરી ગયેલા ફેક્ટરીના માલિક અને સ્ટાફ જીવ બચાવવા માટે ભાગી છુટ્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીને પકડવાની માગ સાથે કંપનીમાં પાર્ક કરેલી બે ગાડી અને કંપનીની ઓરડીને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને મામલો કાબુમાં લીધો હતો. 


પોલીસે તપાસ બાદ મળેલી માહિતીના આધારે બળાત્કારના આરોપી મજૂરને પકડી લીધો છે. આરોપી પકડાઈ ગયા બાદ લોકોનો ગુસ્સો શાંત થયો હતો અને આરોપી પર ફિટ્કારની લાગણી વરસાવી હતી.