રેર બીમારી સાથે જન્મી સુરતની આ બાળકી, વિશ્વનો પ્રથમ કેસ હોવાનો તબીબે કર્યો દાવો
કોરોના નેગેટિવ થયા બાદ માતાના બોડીમાં એન્ટીબોડી બનીને બાળકીના શરીરમાં પ્રવેશ્યા. જેથી બાળકીમાં પણ એન્ટીબોડી જોવા મળ્યા.
સાત દિવસની બાળકીને સારવાર આપવાનું શરૂ કર્યું અને આખરે બાળકી સાજી થઈ પોતાના ઘરે પહોંચી
ચેતન પટેલ/સુરત :વિદેશમાં જોવા મળતી બિમારી MIS-C ના કેટલાક કેસો સુરતમાં જોવા મળી રહ્યા છે. પરંતુ સુરત ખાતે માત્ર 7 દિવસની બાળકીમાં આ કેસ જોવા મળ્યો છે. જે વિશ્વમાં પ્રથમ કેસ હોવાનો તબીબે દાવો કર્યો છે.
બાળકીને જન્મતાની સાથે જ તાવ આવ્યો
સુરતના ભંડેરી પરિવારમાં બાળકીના જન્મને લઈને આનંદ જોવા મળી રહ્યો હતો. પરંતુ અચાનક જ બાળકીને જન્મના ત્રણ દિવસ બાદ તાવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.. પાંચથી છ દિવસની સારવાર બાદ પણ બાળકીનો તાવ ન ઉતરતા આખરે ડોક્ટરે બાળકીની માતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ બાળકીની માતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ડોક્ટરોએ ફરી બાળકીની સારવાર શરૂ કરી હતી. પરંતુ બાળકીની તબિયત વધુ લથડતી જઈ રહી હતી. બાળકીના શરીરમાં કોઈપણ મુવમેન્ટ ન થતા ડોક્ટરોને કોરોના મહામારીમાં બાળકોને થતી MIS-C ની શંકા લાગતી હતી.
આ પણ વાંચો : કેનેડાથી સાબરમતી પહોંચશે 2 સી-પ્લેન, સાથે આવશે 2 વિદેશી પાયલટ પણ...
બાળકીમાં પેદા થઈ એન્ટીબોડી
આ જ કારણ છે કે તેઓએ માતા અને બાળકીનો એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં બંનેનો એન્ટિબોડી ટેસ્ટ પોઝિટિવ આવતા ડોક્ટર પણ હેરાન થઈ ગયા હતા. બાળકીની માતા જ્યારે ગર્ભવતી હતી, ત્યારે માતા કોરોના પોઝિટિવ હતી તે અંગે કોઈને જાણ ન હતી અને કોરોના નેગેટિવ થયા બાદ માતાના બોડીમાં એન્ટીબોડી બનીને બાળકીના શરીરમાં પ્રવેશ્યા. જેથી બાળકીમાં પણ એન્ટીબોડી જોવા મળ્યા હતા. એન્ટીબોડીના કારણે બાળકીનું મગજ, હૃદય અને ફેફસાં ઉપર સ્પષ્ટ અસર જોવા મળી રહી હતી. અન્ય ડોક્ટરો મુજબ બાળકી હવે બચી શકે એમ સ્થિતિમાં ન હતી.
આ પણ વાંચો : ટ્રમ્પની આસપાસ સતત મંડરાયા કરતી આ મહિલાનો થયો કોરોના
નવજાત બાળકી અજીબ બીમારીનો ભોગ બની
સુરતના બાળ ચિકિત્સક આશિષ ગોટીએ આ અંગે અમેરિકા, જર્મનીમાં પણ તપાસ કરી કે, આટલી નાની ઉંમરમાં કોઈ પણ બાળકમાં એન્ટીબોડીની અસર જોવા મળી છે કે નહિ અને જો જોવા મળી હોય તો તેની સારવાર કેવી રીતે કરી શકાય. પરંતુ તેઓને જાણવા મળ્યું હતું કે, વિશ્વમાં આટલી નાની ઉંમરમાં કોઈ પણ બાળકના શરીરમાં એન્ટીબોડીની અસર જોવા મળી નથી અને કોઈ પણ તેની સારવાર અંગે ઉલ્લેખ પણ નથી. તેથી તેઓએ અત્યાર સુધી જે રીતે MIS-C ના બાળકોને જે રીતે સારવાર આપી હતી, તે જ રીતે આ સાત દિવસની બાળકીને સારવાર આપવાનું શરૂ કર્યું અને આખરે બાળકી સાજી થઈ પોતાના ઘરે પહોંચી ગઈ છે.
સુરતના લાલ દરવાજા ખાતે નાઇન્સ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ બીમારીનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. જેમાં સુરતના જાણીતા તબીબ આશિષ ગોટીએ આ બાળકીની સારવાર કરી સ્વસ્થ કરી હતી. આ બીમારી આમ તો 20 વર્ષ સુધીના બાળકને થઈ શકે છે, પરંતુ સુરતમાં એક નવજાત બાળકી આ બીમારીનો ભોગ બની હતી અને નવજાત બાળકીમાં આ બીમારી આવી હોવાનો દેશમાં જ નહિ પરતું વિશ્વમાં પ્રથમ કેસ હોવાનો તબીબ આશિષ ગોટીએ દાવો કર્યો છે.
આ પણ વાંચો : મરતા પહેલા ઈલાબેન 7 લોકોને જીવાડતા ગયા અને આપણને જીવનનો સૌથી મોટો સબક શીખવાડતા ગયા...
આ બીમારીને MIS-N ( MULTISYSTEM ઇન્ફ્લામેટ રી SYNDROME IN NEONATES ) નામ આપવામાં આવ્યું છે. સાથે તેઓએ જણાવ્યું છે કે, આ અંગે તેઓ કેન્દ્ર સરકારને જાણકારી આપશે, જેથી આવા બાળકોને દેખાતા લક્ષણના કારણે તેમની સારવાર યોગ્ય સમય થઈ શકે. પોતાના બાળકીને જન્મતાની સાથે જ જો કોઈ અજુગતી બીમારી હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ માતા પિતા કે પરીવારજનો હચમચી ઉઠે. પોતાના નવજાત બાળકીને આ બીમારી વિશે સાંભળી પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો અને આખરે તેઓએ બાળકી બચી શકશે કે કેમ તે અંગે આશા પણ છોડી દીધી હતી. આશિષ ગોટીએ આશા છોડ્યા વગર બાળકીની સારવાર કરી હતી અને 15 દિવસની સારવાર બાદ બાળકી સ્વસ્થ થઈ હતી. બાળકી સ્વસ્થ થતા આખરે પરિવારજનોએ તબીબનો આભર વ્યક્ત કર્યો હતો. આ બીમારી અંગે અન્ય તબીબો અને વાલીઓને પણ જાગૃત કરાશે અને આ મામલે ડેટા કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર લાડીલા બાપુની જન્મ જયંતી સાદગીથી ઉજવાઈ