Rathyatra 2023: CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, જાણો શું છે આ પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત
આજે અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળવાની છે. જય રણછોડ માખણ ચોરના નાદથી જગન્નાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યુ છે. જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી થઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના પરિવારે પણ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા. ત્યારબાદ ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય રથને નગરચર્યાએ રવાના કરતા પહેલા પહિંદ વિધિ કરી. પહિંદ વિધિ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. જાણો શું છે આ પહિંદ વિધિ અને તેનું મહત્વ, કયારથી તેની શરૂઆત થઈ.
શું છે આ પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત?
અમદાવાદ (Ahmedabad) થી જે રથયાત્રા (Rath Yatra) નીકળે છે તેમાં છેલ્લા 30 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ (Pahind Vidhi) કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજી (Jagannath) ના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ (Pahind Vidhi) કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી જ કેમ કરાવે પહિંદ વિધિ?
રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્ત પહિંદ વિધિ (Pahind Vidhi) કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા (Rath Yatra) પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ (Pahind Vidhi) તરીકે ઓળખવામાં આવે છે.
પહિંદ વિધિ કેવી રીતે કરાય છે?
સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.
કોણે કેટલી વખત કરાવી છે પહિંદ વિધિ
રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિંદ વિધિ (Pahind Vidhi) કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ (Pahind Vidhi) કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે પહિંદ વિધિ કરી.