વડોદરામાં કોરોના ટેસ્ટ માટે નવી લેબ શરૂ, રોજ 500 ટેસ્ટ કરાશે, 4 કલાકમાં રિપોર્ટ મળશે
- વડોદરામાં પહેલીવાર રેમડેસિવિર ઈન્જેક્શનની ચકાસણી માટે ખાસ લેબ શરૂ કરવામાં આવી
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વડોદરાના એમએસ યુનિવર્સિટીમાં rtpcr લેબનું ઉદઘાટન કર્યું
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં આજે કોરોનાને લગતી બે મહત્વની લેબોરેટરીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં કોરોનાને લગતા rtpcr લેબનું ઉદઘાટન કરાયું છે. તો ફાર્મસી વિભાગમાં રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir) ના ચકાસણીની લેબોરેટરી શરૂ કરવામા આવી
છે. ત્યારે આજે વડોદરાવાસીઓને નવી સુવિધા મળી રહેશે. જેથી આરટીપીસીઆર ટેસ્ટ પણ ઝડપી થશે.
હવે વડોદરા થશે રેમડેસિવિરના અસલી નકલી હોવાની ચકાસણી
વડોદરામાં પહેલીવાર રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir injection) ની ચકાસણી માટે ખાસ લેબ શરૂ કરવામાં આવી છે. વડોદરામાં શરૂ કરવામાં આવેલી આ લેબ ખાસ કામગીરી કરશે. એમએસ યુનિની ફાર્મસી ફેકલ્ટી ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનના ચેકિંગને લઈને એક ખાસ લેબોરેટરી તૈયાર કરાઈ છે. જેમાં રેમડેસિવિર ઇન્જેક્શન સાચા છે કે નકલી તેની લેબમાં તપાસ થાય છે. ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચાય છે અને પકડાય છે. ત્યારે આવા કિસ્સા સતત વધતા તેનું ચેકિંગ થવુ પણ જરૂરી છે. તેથી આ લેબ શરૂ કરાઈ છે. આ લેબમાં માત્ર 10 મિનિટમાં જ રેમડેસિવીર ઈન્જેક્શન અસલી છે કે નકલી તે સામે આવી જાય છે.
રોજ 500 કોરોના ટેસ્ટ, 4 કલાકમાં મળશે રિપોર્ટ
તો બીજી તરફ, ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વડોદરાના એમએસ યુનિવર્સિટીમાં rtpcr લેબનું ઉદઘાટન કર્યું છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોરોનાનો ટેસ્ટ (corona test) ઝડપી કરવા માટે લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં રોજના 500 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને માત્ર 4 કલાકમાં જ પોઝિટિવ કે નેગેટિવ હોવાનો રિપોર્ટ (corona report) મળી જશે.