Rajkot: કોરોનાકાળમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, જાણો કઈ રીતે ચાલતું હતું કૌભાંડ
કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી શરૂ થઇ હોવાની પોલીસને માહિતી મળી હતી. જેને આધારે પોલીસ કમિશ્નરે અલગ અલગ ટીમો બનાવીને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર બહાર ખાનગી ડ્રેસમાં પોલીસે વોચ ગોઠવી હતી.
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળાબજારીનો પર્દાફાસ કર્યો છે. ગુરૂ પ્રસાદ ચોક નજીક થી રેમડેસિવિર ઇન્જેક્શન આપવા આવેલા બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ 4500 રૂપીયાનું રેમડેસિવિર ઇન્જેક્શન રૂપીયા 10 હજારમાં વેંચતા હોવાનું ખુલ્યું છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાય છે. ત્યારે કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી શરૂ થઇ હોવાની પોલીસને માહિતી મળી હતી. જેને આધારે પોલીસ કમિશ્નરે અલગ અલગ ટીમો બનાવીને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર બહાર ખાનગી ડ્રેસમાં પોલીસે વોચ ગોઠવી હતી.
માહિતી મળી હતી કે, રાજકોટમાં દેવાંગ મેર નામનો શખ્સ રેમડેસિવિર ઇન્જેક્શન કાળાબજારી કરી રહ્યો છે. પોલીસે છટકું ગોઠવીને રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર હોવાનું કહિને ગુરૂપ્રસાદ ચોક નજીક બોલાવ્યો હતો. જ્યાં આરોપી દેવાંગ મેરે 4500 રૂપીયાનાં ઇન્જેક્શન રૂપીયા 10 હજારમાં પોલીસને વેંચ્યું હતું. રંગેહાથ પોલીસે આરોપીને ઝડપીને પુછપરછ કરતા રેમડેસિવિર ઇન્જેક્શન તેના મિત્ર પરેશ વાજા પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે દેવાંગ મેર અને પરેશ વાજાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
કેવી રીતે કરતા કાળાબજારી ?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી દેવાંગ મેરે નર્સિંગનો કોર્ષ કોડીનાર ખાતે કર્યો છે. હાલ રાજકોટમાં હોમ કેર તરીકે કામગીરી કરી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા દેવાંગ મેરે તેના મિત્ર પરેશ વાજા સાથે મળીને રેમડેસિવિર ઇન્જેક્શન ઉંચા ભાવે વેંચવાનું નક્કિ કર્યું હતું. જેમાં આરોપી દેવાંગનો મિત્ર પરેશ વાજા સત્કાર હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતો હોવાથી દર્દીઓનાં આધારકાર્ડની નકલ લઇ લેતો હતો. તે દર્દીનાં નામે હોસ્પિટલમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો લઇ પોતાની પાસે રાખતો હતો. જરૂરીયાત વાળા દર્દીનાં સગા સબંઘીઓ દેવાંગનો સંપર્ક કરતા ત્યારે દેવાંગ તેના મિત્ર પરેશ વાજા પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શન લઇને દર્દીનાં સગાને આપતો હતો. જેમાં 4500 રૂપીયાનાં ઇન્જેક્શન રૂપીયા 10 હજાર વસુલ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે 4 ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કોઇ ભોગ બન્યું હોય તો પોલીસનો કરો સંપર્ક
રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીઓનાં સગા સબંધીઓને નહિં પરંતુ હોસ્પિટલને જ આપવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. ત્યારે પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવતા ન હોવાથી લેભાગુ તત્વો બેફામ બન્યા છે અને રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી શરૂ કરી છે. ત્યારે પોલીસે આ બન્ને શખ્સોની ધરપકડ કરી જેલનાં સળિયા ગણતા કરી દિધા છે. પોલીસ તપાસમાં કેટલા નવા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube