રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીના અમદાવાદથી બે કૌભાંડ પકડાયા
- અમદાવાદ ક્રાઇમ બાન્ચે નકલી રેમડીવીસીર ઈન્જેક્શનનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી
- ઈન્જેક્શનનું વધુ એક કૌભાંડ એસઓજીએ ઝડપી પાડ્યું. ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના નોકરી કરતા કર્મચારી સહિત 3ની ધરપકડ કરાઈ
ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતમા રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરિયાત અને અછત વચ્ચે તેની કાળાબજારી શરૂ થઈ ગઈ છે. સુરતથી લઈને કચ્છ સુધી રેમડેસિવિરની કાળાબજારી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીએ અલગ અલગ સ્થળેથી ઈન્જેક્શનની કાળાબજારી સામે આવી છે.
અમદાવાદ ક્રાઇમ બાન્ચે નકલી રેમડીવીસીર ઈન્જેક્શનનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. આ સાથે જ 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, અમદાવાદ અને વડોદરા સિવાય અન્ય શહેરો સુધી રેમડેસિવિર ઈન્જેક્શનનું નેટવર્ક ફેલાયેલું છે. નકલી ઈન્જેક્શન બનાવીને લોકોને ઉંચી કિંમતે વેંચતા હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં ખૂલ્યું કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલના રૂમમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનની હેરાફેરી થતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડા, સાબરમતી, પાલડી અને વડોદરાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાથે જ 300 થી વધુ નકલી ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાત પાસે નથી વેક્સીનનો જથ્થો, 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળે
કાળા બજારમાં રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદતા પહેલા ચેતી જજો. ક્રાઈઇમ બાન્ચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બે આરોપી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. આ ટોળકી કોરોના સંક્રમિત દર્દીના પરિવારને ઈન્જેક્શન આપવાનું કહીને છેતરપીંડી કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઈફતેકાર નકવી અને સોહેલ નકવી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : રાજકોટથી સારા સમાચાર : લાંબા સમય બાદ સિવિલ હોસ્પિટલમાં બેડ ખાલી જોવા મળ્યા
તો બીજી તરફ, રેમડેસિવિર ઈન્જેક્શનનું વધુ એક કૌભાંડ એસઓજીએ ઝડપી પાડ્યું છે. ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના નોકરી કરતા કર્મચારી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. મિલન સવસવિયા નામનો કર્મચારી રેમડેસિવિર કંપનીમાંથી ચોરી કરીને લાવતો હતો. તો હાર્દિક વસાણી અને દેવલ કસવાળા સાથે મળીને રેમડેસિવિર ઈન્જેક્શન શીશીમાં બનાવતો હતો. ઊંચા ભાવે રેમડેસિવિર વેચવા માટે તેઓએ આ કાવતરું રચ્યું હતું. એસઓજીએ બાતમીના આધારે બાપુનગરમાં દુકાનમાં રેડ કરીને 24 ઈન્જેક્શન જપ્ત કર્યા છે. સ્ટીકર અને એક્સપાયર ડેટ વગરની રેમડેસિવિર ઈન્જેક્શન મળી આવ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું કૌભાંડ ઝડપાયું છે. એસઓજીએ ઈન્જેક્શનને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં મદદ લીધી છે.