ગૌરવ પટેલ/અમદાવાદ : આજથી અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ નું નવિનીકરણ કરવાનું હોવાથી આગામી સળંગ 5૦ દિવસ માટે પ્લેટફોર્મ નંબર 1 બંધ રખાશે. જેને લઇને આ પ્લેટફોર્મ પરથી પસાર થતી 46 જેટલી ટ્રેનોનું સંચાલન અન્ય પ્લેટફોર્મ પરથી કરવાનું થતા આશરે 104 ટ્રેનોના સંચાલન પર તેની અસર થશે. જેમાં કેટલીક ટ્રેનો મોડી પડવાની શક્યતા છે. તો બીજી તરફ ડેમુ-મેમુ ટ્રેનોને સાબરમતી અને વટવા સુધી જ ચલાવાશે. જેને લઇને મુસાફરોને થોડાક સમય સુધી હાલાકી ભોગવવી પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે કાલુપુર રેલવે સ્ટેશન અથવા અમદાવાદ જંક્શન રેલવે સ્ટેશનને હેરિટેજ લૂક મળશે. આ હેરિટેજ લૂકમાં રેલવે સ્ટેશનના સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર નહિ થાય, માત્ર બહારના ભાગમાં ઐતિહાસિક ઈમારતોની રેપ્લિકા બનાવાશે. ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ કુમારે જણાવ્યું કે, રિનોવેશનના પગલે 2 જાન્યુઆરી 2019થી 50 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 1 બંધ રહેશે. શતાબ્દી જેવી અન્ય મહત્વની ટ્રેન બીજા પ્લેટફોર્મ પર આવશે. 


ટ્રેનોના સમય પર થશે અસર
આ કામગીરીને કારણે ટ્રેનોના સંચાલન પર અસર થશે. વડોદરાથી આવતી ડેમુ ટ્રેનોને વટવા સુધી જ ચલાવાશે. અને મહેસાણા તરફથી આવતી ડેમુ-મેમુ ટ્રેનોને સાબરમતી સુધી ચલાવાશે. પ્લેટફોર્મ નંબર ૧ પરથી ૪૬ ટ્રેનો પસાર થાય છે. જેમાંથી ૨૩ ટ્રેનો દૈનિક છે. આ ટ્રેનોને હવે અન્ય પ્લેટફોર્મ પરથી દોડાવાશે. કુલ ૧૨ પ્લેટફોર્મ માંથી પ્લેટફોર્મ નં.૧૧ અને ૧૨ મેટ્રોના કામને લીધે બંધ પડયા છે. જેથી હવે બાકીના ૯ પ્લેટફોર્મ પર ભારણ વધશે. મુસાફરોને ઓછી હેરાનગતી થાય તે માટેના શક્ય તમામ પ્રયાસો કરાશે. હેસાણા અને વડોદરા તરફથી આવતી ડેમુ-મેમુ ટ્રેનોને સાબરમતી અને વટવા સુધી દોડાવાશે. જેને લઇને થોડા દિવસો માટે આ ટ્રેનોના મુસાફરોએ ત્યાંથી જ ટ્રેન પકડવા અને ઉતરવાની ફરજ પડશે.આ ટ્રેનોમાં નોકરીયાતો, વિદ્યાર્થીઓ, છૂટક મજૂરી કરનારાઓ, નાના-મોટા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મોટાભાગે અવર-જવર કરતા હોય છે. દૈનિક અપડાઉન કરતા આવા મુસાફરોએ આ દિવસો દરમિયાન રેલવેતંત્રને સહકાર આપવાની અપીલ પણ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.


ત્રણ દરવાજા અને દિલ્હી દરવાજા બનાવાશે. હેરિટેજ સિટી અમદાવાદના હાર્દમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદથી અવરજવર માટેનું મધ્યવર્તી સ્થાન છે. ટૂંક સમયમાં રેલવે સ્ટેશનના કોમ્પ્લેક્સમાંથી બુલેટ ટ્રેન, બીઆરટીસ, મેટ્રોની અવરજવર શરૂ થશે. સ્ટેશનને હેરિટેજ લૂક આપવા માટે ભારતીય રેલવેએ કવાયત હાથ ધરી છે. રેલવે સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ત્રણ દરવાજા અને દિલ્હી દરવાજાની રેપ્લિકા મુકાશે. દિનેશ કુમારે કહ્યું, “અમદાવાદની ઐતિહાસિક ઈમારતો દર્શાવવા ઉપરાંત સ્ટેશનના મુખ્ય દ્વાર પાસે માઈક્રોપ્રોસેસર બેઝ્ડ ફિક્સ્ડ કલર લાઈટિંગ હશે. લાઈટ્સ થીમ પ્રમાણે બદલાશે. કોમ્પ્યુટર દ્વારા લાઈટિંગ સંચાલિત કરવામાં આવશે. ફ્લોરિંગ પણ બદલાશે.


તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદનો કોટ વિસ્તાર સુલતાન કાળના વારસાને સાચવીને બેઠો છે. કાલુપુર રેલવે સ્ટેશનમાં શહેરના ભવ્ય ઐતિહાસિક વારસાની થીમ બનાવી શકાય તેટલી ક્ષમતા છે. રેલવે સ્ટેશન એવી જગ્યા છે જ્યાં લોકો શહેર છોડતાં પહેલા કે શહેરમાં આવતી વખતે શહેર કેવું હશે કે હતું તેનો અનુભવ કરી શકે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ એક પર રફ ગ્રેનાઈટનું ફ્લોરિંગ હશે. જ્યારે સ્ટેશનના અન્ય પ્લેટફોર્મ અને ફૂટઓવર બ્રિજના ફ્લોરિંગ પણ બદલવામાં આવશે. સ્ટેશન પર દરેક જગ્યાએ ઐતિહાસિક વારસો છલકાશે. દિનેશ કુમારે માહિતી આપી કે, રેલવે સ્ટેશન પર માલ ચડાવવા-ઉતારવા માટેની જગ્યાને કોંક્રિટની બનાવાશે. જેથી સફાઈ કરવામાં સરળતા રહે.


 ડેમૂની થોડા સમય માટે વટવા અને સાબરમતી સુધી ચલાવવામાં આવશે. આ સિવાય રેલવેએ મણિનગર તરફની બાઉન્ડ્રી વૉલને વિસ્તારવામાં આવશે. અધિકારીઓના મતે, રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારા અને બહાર નીકળવાના રસ્તા સુધીનો બહારનો ભાગ, જાહેરાતના બોર્ડ, બારીઓ, દરવાજા, બાઉન્ડ્રી વૉલ, ફ્લોરની પેટર્ન વગેરેનું સમારકામ કરવામાં આવશે. દરેક વસ્તુમાં શહેરના ઐતિહાસિક વારસાની છાંટ જોવા મળશે.


આગામી વર્ષથી રાજધાની ટ્રેનને પ્લેટફોર્મ નં.1 પરથી દોડાવાશે
રાજધાની ટ્રેનને આગામી વર્ષે પ્લેટફોર્મ નંબર એક પરથી દોડાવાનું નક્કી કરાયું છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર દિવ્યાંગ મુસાફરો પણ સરળતાથી ચાલી શકે તે માટેના ગાઇડીંગ ટાઇલ્સ લગાવાશે. જીઆરસીની જાળીઓ લગાવાશે. પ્લેટફોર્મ નંબર ૧ પાસે પતરાની દિવાલો હટાવીને મણિનગર તરફ પાકી આરસીસીની દિવાલ બનાવવાનું પણ કામ હાથ ધરાશે.


બીઆરટીએસ બસોને હવે રેલવે પરિસરની બહાર દોડાવવા માટે રેલવેની બાઉન્ડ્રી વોલ અને મુખ્ય રોડ વચ્ચે સ્ટેશન બનાવાશે. જેને લીધે રેલવે પરિસરમાં થતા ટ્રાફિક જામને નાથી શકાશે. પ્લેટફોર્મ નંબર ૯ નું વિધૃતિકરણ કરી દેવાયું છે. પ્લેટફોર્મ નં.૧નું કામ પત્યા પછી પ્લેટફોર્મ નંબર ૮ પરનું કામ હાથ ધરાશે.