• ખોડલધામ મંદિર ભારતનું પ્રથમ મંદિર એવું છે કે જ્યાં ભક્તિની સાથે દેશ ભક્તિ પણ જોવા મળે છે

  • ગીર સોમનાથમાં મારૂતિધામ દ્રોણેશ્વર ગુરુકુળમાં હનુમાનજી મહારાજને તિરંગાના શણગાર કરાયા

  • વડોદરામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં નીતિન પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું 


ઝી મીડિયા/બ્યૂરો :દેશભક્તિ બતાવવાની દરેકની રીત અલગ અલગ હોય છે. અલગ અલગ લોકો અલગ અલગ અંદાજમાં દેશપ્રેમ બતાવે છે. ત્યારે આજે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં ભારત પ્રત્યેનો અનોખો પ્રેમ જોવા મળ્યો. દેશભરમાં 72મા પ્રજાસતાક દિવસ (Republic Day) ની ઉજવણી થઈ રહી છે ત્યારે ખોડલધામ મંદિર ખાતે ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા ભારતના મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી લાંબો ધ્વજ ફરકાવાયો છે. 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળાઈ ધરાવતો  રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મંદિરના મુખ્ય ગેટથી શરૂઆત કરી મંદિરના પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઇતિહાસ સર્જ્યો છે. ખોડલધામ (khodaldham) ખાતે દર્શનાર્થે આવેલા ભાવિકોએ પણ આ રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે ખોડલધામ મંદિર ભારતનું પ્રથમ મંદિર એવું છે કે જ્યાં ભક્તિની સાથે દેશ ભક્તિ પણ જોવા મળે છે અને મંદિરના મુખ્ય ગેટ પર ધર્મની ધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો છે. લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક ગણાતા આ ખોડલધામ મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિરમાં આ પહેલા પણ સમૂહ રાષ્ટ્રગાન સહિતના અનેક રેકોર્ડો પણ સ્થાપિત કર્યા છે. 



રામભક્તને દેશભક્તિનો શણગાર 
ગીર સોમનાથમાં મારૂતિધામ દ્રોણેશ્વર ગુરુકુળમાં હનુમાનજી મહારાજને તિરંગાના શણગાર કરાયા છે. ગીર ગઢડાના દ્રોણેશ્વર ગુરુકુલમાં બિરાજીત કષ્ટભંજન દેવને ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તિરંગાના શણગાર કરવામાં આવ્યા છે. સંસ્થાના અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રરણાથી વહેલી સવારે દાદાને શણગાર કરી આરતી-સ્તુતિ કર્યા. દેશના શહીદોને તથા સરહદે સેવા આપી રહેલા સૈનિકોના સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.  ત્યારબાદ ગુરુકુલ પરિવારના સંતો તથા કાર્યકર્તાઓએ ધ્વજવંદન (india Republic Day) કર્યું હતું. સમગ્ર સમારંભનું આયોજન તથા સંચાલન આચાર્ય મહેશભાઇ જોશીએ કર્યું હતું.


નીતિન પટેલ વડોદરામાં ધ્વજવંદન કર્યું
વડોદરામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. વડોદરાના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ મેદાનમાં ધ્વજવંદન (72nd republic day) નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટર, પોલીસ કમિશ્નર અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. નીતિન પટેલે ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ પણ કર્યું હતું. જેના બાદ તેમણે મીડિયા સંબોધનમાં કહ્યું કે, હાલમાં કોરોના વોરિયર્સને વેક્સીન અપાઈ રહી છે. બાદમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સીન અપાશે. બાદમાં સિનિયર સિટીઝન અને સામાન્ય નાગરિકોને વેક્સીન અપાશે. ગુજરાતમાં વેક્સીનની કોઈ જ ગંભીર આડઅસર હજી સુધી થઈ નથી.



કમલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી 
પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ (kamalam) ખાતે પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલે (cr patil) પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કર્યું હતું. ભાજપ (BJP) પ્રદેશ કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ભાજપના કાર્યકરોને ભાજપ લખેલા માસ્ક આપવામાં આવ્યા હતા. 



ગાંધીનગરમાં BSF હેડ ક્વાર્ટર ખાતે પણ પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત ફ્રન્ટિયરના IG જીએસ મલિક દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. બાદમાં દરેક BSF ના જવાનો અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જવાનોના પરિવારને મીઠાઈ આપી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી. સાથે જ આજના દિવસે કબડ્ડી ગ્રાઉન્ડ અને જિમ્નાસ્ટિકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. BSFના સ્પોર્ટમાં રહેલા જવાનોએ કબડ્ડીની ટુર્નામેન્ટ યોજી હતી. કોરોનાકાળ બાદ પ્રથમ એવો રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી BSF ખાતે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે તમામ જવાનો ફરજિયાત માસ્ક સાથે જોવા મળ્યા. BSFના IG જીએસ માલિકે કહ્યું કે, BSF ના જવાનોએ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને સેવા આપી છે અને પોતાના પરિવારનું પણ ધ્યાન રાખ્યું છે.