દિપ્તી સાવંત/અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન સમયે જાણીતા બનેલા એવા રેશ્મા પટેલ વર્ષ 2017માં ભાજપમાં જોડાયા પરંતુ ભાજપમાં તાનાશાહી છે, કાર્યકરોનું કોઈ સાંભળતું નથી એવા આક્ષેપો સાથે થોડા સમય પહેલા જ રેશ્મા પટેલે ભાજપ સાથે પણ છેડો ફાડ્યો. લોકસભા 2019ની ચૂંટણીમાં રેશમા ગુજરાતની એકમાત્ર એક નેતા છે, જે લોકસભા અને વિધાનસભા બંને લડવા જઈ રહ્યાં છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. તેના ગણતરીના જ દિવસો બાદ તેઓ એનસીપીમાં જોડાયા, અને હવે માણાવદર પેટચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર તરીકે લડવાના છે. ત્યારે લોકસભા અને વિધાનસભા લડતા હોય તેવા તેઓ એકમાત્ર ઉમેદવાર બન્યા છે. તેમજ ગુજરાતની લોકસભા ચૂંટણીમાં એક એવા ઉમેદવાર છે, જે બેઠક પરથી લડી રહ્યાં છે, એ પણ લોકસભા અને વિધાનસભાની. બે બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણય વિશે ZEE ન્યૂઝે રેશમા પટેલ સાથે વાત કરી હતી.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    તમે બંને જગ્યાએ ઈલેક્શન લડવાના છો તે અંગે તેમણે કહ્યું કે, ઉમેદવારી ખેંચવાના તારીખ તો ગઈકાલે નીકળી ગઈ છે, અમે મેં ઉમેદવારી પાછી ખેંચી નથી. તેથી હવે હું પોરબંદરની લોકસભા બેઠક પરથી અપક્ષ તથા માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં એનસીપીની સદસ્ય તરીકે લડવાની છું. લોકસભા માટે મારું ચિન્હ ટ્રેક્ટર ચલાવતો ખેડૂત છે, તો એનસીપી ઉમેદવાર તરીકે મારુ ચિન્હ ઘડિયાળ છે. 

  • બંને બેઠક પરથી લડવું કેટલુ ચેલેન્જિંગ છે તે વિશે રેશમા પટેલે કહ્યું કે, હાલ તો હું પ્રચારમાં પડી છું. લોકસભા માટે તો હું પહેલેથી તૈયારી કરી જ રહી હતી. પણ હવે હું માણાવદરથી પણ લડવાની છું. જોકે, માણાવદર વિધાનસભા પોરબંદર લોકસભામાં જ આવે છે, તેથી બંને કામ એકસાથે કરીશ. જોકે, ચૂંટણી લડવી એ વાત જ મારા માટે ચેલેન્જિંગ છે. હું સામાન્ય પરિવારમાંથી આવું છું અને પહેલીવાર ચૂંટણી લડી રહી છું. મારા માટે સૌથી મોટો પ્રશ્નાર્થ એ છે કે, હું ત્રીજો મોરચો છું. બધા લોકો એમ કહે છે કે, ત્રીજો મોરચો ન ચાલે. તેમજ મહિલા નેતા તરીકે પણ મારો સંઘર્ષ છે. હિંમતથી આગળ ચાલી રહી છું. 

  • બે બેઠક અલગ અલગ હોવાથી ચૂંટણી પ્રચાર કેવી રીતે કરશો વિશેના જવાબમાં તેમણે કહ્યું કે, ભૌગોલિક રીતે આ વિસ્તાર મોટો હોવાથી અને પ્રચાર માટે પણ ઓછા દિવસ હોવાથી હાલ તો બનર, પેમ્પ્લેટ અને મારી ટીમ દ્વારા પ્રચાર કરાઈ રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર કરી રહી છું. બધે પહોંચવુ શક્ય તો નથી, પણ પ્રચારમાં કોઈ કચાશ નહિ છોડું.

  • બંને બેઠક પર જીત બાદ એક બેઠક છોડવી પડે તો તમે કઈ બેઠક છોડશો, તે વિશે રેશમા પટેલે કહ્યું કે, હું જીતીશ તો મારા માટે ચમત્કાર જ હશે. હાલ કહી ન શકું, પણ વડીલો અને એક્સપર્ટસની સલાહથી નિર્ણય લઈશ.



બે સીટ પર લડવાનો નિયમ
બે સીટ પર લડવાનો ક્રમ તો બહુ જ જૂનો છે. પહેલા કોઈ પણ ઉમેદવાર ગમે તેટલી સીટ પરથી ઈલેક્શન લડી શક્તો હતો, પરંતુ 1996માં નિયમમાં રિસર્ચ કરીને એક ઉમેદવારને વધુમાં વધુ બે સીટ પરથી લડવાની મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર, એક ઉમેદવાર બે સીટ પરથી જ ચૂંટણી લડી શકે છે. જો તે બંને સીટ પરથી જીતે છે, તો તેને 10 દિવસ બાદ એક સીટ છોડવી પડે છે, જેના પર ફરીથી પેટાચૂંટણી યોજાય છે. આ બધુ જનપ્રતિનિધિત્વ કાયદો 33 (7) અંતર્ગત આવે છે. 


કોણ છે રેશમા પટેલ
રેશમા પટેલ નામ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યું હતું. ધારદાર ભાષણથી હાર્દિક પટેલ સાથે સ્ટેજ પર જોવા મળેલા રેશમા પટેલ તેની સાથે પાટીદાર આંદોલનમાં સાથે રહ્યા હતા. પરંતુ હાર્દિક સાથે વાંધો પડતા તેઓ ભાજપમાં જોડાયા હતા, અને ભાજપમાં સામે પણ વાંધો પડતા, તેમણે ભાજપનો છેડો ફાડ્યો હતો. લોકસભા માટે તેમણે પોરબંદર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. પણ બાદમાં એનસીપી સાથે જોડાતા માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ છે. 


ઉલ્લેખનીય છે કે, હવે રેશ્મા પટેલની રાજકીય કારકિર્દીમાં આખરે નવો વળાંક આવ્યો છે. તાજેતરમાં જ NCPના જયંત પટેલ દ્વારા રેશ્મા પટેલને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકારવામાં આવ્યા. રેશ્મા પટેલે આશા વ્યક્ત કરી છે કે તેમને પોરબંદર લોકસભાની બેઠક પરથી પણ NCPનો સાથ સાંપડશે અને તેઓ સફળ થશે. પણ, જો રેશમા પટેલ બંને બેઠકમાંથી એક બેઠક પર જીતશે, તો તેમને એક બેઠક છોડવી પડશે. ત્યારે હવે તો સમય જ બતાવશે કે શું થાય છે.