અતુલ તિવારી, અમદાવાદઃ gujarat vidyapith News: ગુજરાત વિદ્યાપીઠ ખાતે આજે ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કુલપતિનું પદ સંભાળ્યા બાદ ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે 17 ઓક્ટોબરે 8 સભ્યોએ નારાજગી વ્યક્ત કરીને ટ્રસ્ટી પદેથી પોતાના રાજીનામા આપી દીધા હતા. ત્યારબાદ રાજીનામા આપનાર ટ્રસ્ટીઓ મંડળમાં યથાવત રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ આજે બેઠકમાં આઠ ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા ચાર ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવી
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની થોડા સમય પહેલા વરણી કરવામાં આવી હતી. આજે વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કર્યા બાદ 4 નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવી છે. રાજેશ્રી બિરલા, ગફફુર બિલખીયા, હર્ષદ પટેલ અને ડી.પી. ઠાકરની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરાઈ છે. ગુજરાત વિદ્યાપીઠમાં કુલ 24 ટ્રસ્ટી હોય છે. આઠ સભ્યોના રાજીનામા અને ચાર સભ્યોની નિમણૂંક બાદ હવે કુલ 20 ટ્રસ્ટીઓ ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં છે. 


આ પણ વાંચોઃ અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ : સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા


મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર એનાયત
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધી વિચારના કેળવણીકાર, સાહિત્યકાર અને આચાર્ય મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર અર્પણ કર્યો હતો. પુરસ્કાર અર્પણ કરતા આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મનસુખભાઈ સલ્લાની સૌમ્યતા, સરળતા અને સાદગી જ દર્શાવે છે કે તેમણે પૂજ્ય ગાંધીજીના વિચારોને આત્મીયતાપૂર્વક પોતાના જીવનમાં ઉતાર્યા છે. તેમના વ્યક્તિત્વ, સાહિત્યલેખન અને કર્મયોગમાંથી પ્રેરણા લેવા અને ભવિષ્યમાં આવા પુરસ્કારો મળે એવું જીવન જીવવા તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, જેને માતા-પિતા અને ગુરુ શ્રેષ્ઠ મળ્યા છે, ધર્માત્મા મળ્યા છે એનું જીવન ધન્ય છે વિદ્યાર્થીઓ-બાળકો શિક્ષકોના ભાષણોથી નથી શીખતા, તેઓ શિક્ષકો-ગુરૂજનોના વર્તનનું અવલોકન કરીને શીખતા હોય છે એટલે શિક્ષકોના જીવન આદર્શ અને પ્રેરણાદાયી હોવા જોઈએ. તેમણે મનસુખભાઈ સલ્લાને અભિનંદન પાઠવ્યા હતા કે તેમણે પોતાના કર્મોથી અનેક આદર્શ છાત્રોનું નિર્માણ કર્યું છે. તેમણે શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર માટે મનસુખભાઈ સલ્લા જેવા યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા બદલ પસંદગી સમિતિને પણ અભિનંદન પાઠવ્યા હતા.


ઐતિહાસિક જીત છતાં સી આર પાટીલને રહી ગયો આ અફસોસ, વાત વાતમાં કર્યો આ ઈશારો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube