ચેતન પટેલ/સુરત :હાર્દિક પટેલ બાદ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. અલ્પેશ કથીરિયાના ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે. ત્યારે અલ્પેશ કથીરિયાને ભાજપમાં જોડવાની જવાબદારી એક મોટાગજાના પાટીદાર નેતાના માથે આવી છે. અલ્પેશને ભાજપ સાથે જોડવાની જવાબદારી નરેશ પટેલના માથે આવી છે. આ અંગે 19 ઓક્ટોબરે નરેશ પટેલ પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરી શકે છે. આ બેઠકમાં PAAS કન્વીનરના ભાજપમાં જોડાવવા અંગે નિર્ણય લેવાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશ કથીરિયાના ભાજપમાં જોડાવા મામલે હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ મેદાનમાં આવ્યા હોવાનું ચર્ચાય છે. અલ્પેશના ભાજપમાં જોડાવવાનો દારોમદાર હવે નરેશ પટેલ પર છે. આ માટે નરેશ પટેલ પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરી શકે છે. 19 ઓકટોબરે નરેશ પટેલ પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. આ બેઠકમાં PAAS કન્વીનરના ભાજપમાં જોડાવવા અંગે નિર્ણય લેવાશે. સાથે જ અલ્પેશ સાથે અન્ય પાટીદારો પણ ભાજપમાં જોડાશે તેવુ પણ કહેવાય છે. ત્યારે પાસ કન્વીનર અલ્પેશ કથેરિયા ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે ખુદ કથેરિયાએ કહ્યું કે, નરેશ પટેલ નક્કી કરશે કે મારે રાજનીતિમાં આવવું કે નહીં...


આ પણ વાંચો : આજની સૌથી મોટી ખબર, આજે ગુજરાત-હિમાચલની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે


પરંતુ આ પહેલા પાસ નેતા અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાવવા અંગે ફેસબુક પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, અમારી શરતો પૂરી કરાયા બાદ જ કોઈ નિર્ણય લેવાશે. સરકાર સામે શહીદ પરિવારને નોકરીની શરત મૂકવામાં આવી છે. સાથે જ પાટીદારો પરના કેસો પરત ખેંચવાની માંગણી કરાઈ છે. આ શરતોના પરિણામ બાદ નિર્ણય લેવામાં આવશે. અત્યારે રાજકીય કોઈ જ નિર્ણય પાસ સમિતિએ લીધેલો નથી. 



ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી દ્વારા અલગ અલગ નેતાઓને પોતાની પાર્ટીમાં ખેંચવામાં આવી રહ્યા છે. જેમાં સૌથી વધારે નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ બધા વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ સંદર્ભે અલ્પેશ કથીરિયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો પણ કરવામાં આવ્યો છે. જોકે, અલ્પેશ પણ હાર્દિકવાળી કરે તેવુ ચર્ચાઈ રહ્યું છે. 


ભાજપમાં જોડાવવા માટે અલ્પેશ કથિરીયાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સીધી ઓફર આપવામાં આવી નથી, પણ આસપાસના લોકો દ્વારા મને ભાજપમાં જોડાવવાની ઓફર આવી છે, પરંતુ મારી અમુક શરતો છે. તે શરતો પૂર્ણ થશે. તો જ ભાજપમાં જોડાઈશ અને ભાજપમાં જોડાવવા પહેલા આગેવાનો સાથે ચર્ચા કરીને આખરી નિર્ણય કરીશ. કથિરીયાએ જણાવ્યું હતું કે, મારા કેસો પેન્ડિંગ છે. તે કેસ પાછા ખેંચવામાં આવે અને પાટીદાર આંદોલનમાં જે શહીદ થયા છે. તેમને સરકારી નોકરી મળે તે મારી મુખ્ય શરતો છે. પછી જ ભાજપમાં જોડાવવા માટે વિચાર કરીશ. આ ઉપરાંત કેસ પાછા ખેંચવામાં આવશે અને ઓફર સ્વીકાર કરો એવું હશે તો પણ ટીમ સાથે ચર્ચા વિચારણા કરીને નક્કી કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા. હાર્દિક પટેલ પછી પાટીદાર અનામત આંદોલનના મૂખ્ય આગેવાન તરીકે અલ્પેશ કથીરિયાનો ચહેરો જોવા મળ્યો હતો. 


મહત્વનું છે કે ચૂંટણી પહેલા ભાજપે હાર્દિક પટેલના એક સમયના સાથે અલ્પેશ કથિરીયાને પાર્ટીમાં લાવવાની તૈયારી ચાલી રહી હતી. હવે આ વાતને થોડી હવા મળી છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલનના કારણે ભાજપ માત્ર 99 બેઠકો પર અટકી ગયું હતું. ત્યારે હવે ભાજપ વધુ સરસાઈથી જીત મેળવવા અલ્પેશ કથિરીયાને સામેલ કરે તેવું લાગી રહ્યું છે.


જાણવા મળ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં પાટીદારને મજબૂત કરવા અને તેમના મતને ભાજપ તરફ વાળવા અલ્પેશ કથિરીયાને ભાજપમાં લઈ લેવાશે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે પ્રચાર કરી રહી છે, અને સારો એવો હોલ્ડ ઉભો કર્યો છે, તેવા રીપોર્ટસ્ છે. આથી આમ આદમીની મતબેંક કાપવા ભાજપ અલ્પેશ કથિરીયાને ભાજપમાં લઈને ધારાસભ્ય પદની ટિકિટ પણ આપી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અલ્પેશ કથિરીયા સાથે બેઠક પણ યોજાઈ છે.