રાજકોટઃ આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિનને લઈને રાજકોટમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ પીવાના પાણીના પાઉચ પર પ્રતિબંધ લગાવ્યો છે. મંગળવારથી એટલે કે વિશ્વ પર્યાવરણ દિનથી જ પ્રતિબંધ લાગુ કરી દેવાશે. એટલું જ નહીં ત્યારબાદ જો કોઈ પાણીના પાઉચ વેચતા દેખાશે તો તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. પાણીના પાઉચમાં બેક્ટેરિયા હોવાની માહિતી સામે આવતા આ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.


તો બીજી તરફ કારખાનેદારોએ મ્યુનિસિપલ કમિશનરના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી અને પાણીમાં કોઈ પણ પ્રકારની ખામી ન હોવાનો દાવો પણ કર્યો હતો. સાથે સાથે જ પાણીના પાઉચ બંધ થવાથી મોટા નુકસાનની ભીતિ પણ વ્યક્ત કરી. કારખાને દારોનું એવું પણ કહેવું છે કે, પાણીના પાઉચ બંધ થશે તો સામાન્ય માણસોને જ મુશ્કેલી થશે કેમ કે, તમામ પાસે 20 રૂપિયાની પાણીની બોટલ ખરીદી શકે તેવી વ્યવસ્થા ન પણ હોઈ શકે.