સીએનજી ગેસના ભાવમાં વધારો થતા જામનગરના રિક્ષા ચાલકોએ નોંધાવ્યો વિરોધ, સરકાર પાસે કરી આ માંગ
દેશની જનતા મોંઘવારીથી સતત પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવ વધારાને લઈને આજે જામનગરમાં રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.
મુસ્તાક દલ/ જામનગરઃ દેશની જનતા મોંઘવારીથી સતત પરેશાન છે. પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને રસોઈ ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 22 એપ્રિલ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 13 વખત વધારો થઈ ચુક્યો છે. તો સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. જામનગરમાં આજે રિક્ષા ચાલકોએ સતત વધી રહેલા સીએનજીના ભાવને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરમાં સીએનજીનો ભાવ 77 રૂપિયા પર પહોંચી ગયો છે. જામનગરના CNG રિક્ષાચાલકોએ મોટી સંખ્યામાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં એકઠા થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સતત ભાવ વધારાથી રિક્ષા ચાલકો પરેશાન
છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલની સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. મંગળવારે સીએનજી ગેસના ભાવમાં 7 રૂપિયા જેટલો વધારો થયો છે. જેને લઈને જામનગરમાં રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ભેગા થયા હતા. તેમણે સતત વધી રહેલા ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃ યુવરાજસિંહ જાડેજાની ગાડીમાં લાગ્યો હતો કેમેરો, પોલીસ પર ગાડી ચડાવવાની આખી ઘટના કેદ
ભાવમાં ઘટાડો કરવાની માંગ
આ તકે રિક્ષાચાલકોએ માંગ કરી હતી કે જો સીએનજી ગેસના ભાવ ઘટાડવામાં નહિ આવે તો રિક્ષાચાલકો મિનિમમ ભાડું રૂપિયા 10 થી વધારીને 20 રૂપિયા કરી નાખશે. આ મુદ્દે સરકાર દ્વારા વહેલી તકે નિર્ણય નહીં લેવામા આવે તો આવનારા દિવસોમાં લોકોને રિક્ષાનું ડબલ ભાડું ચૂકવવું પડશે અને જેની જવાબદારી સરકારની રહેશે તેમ રિક્ષાચાલકો જણાવી રહ્યા છે.
22 માર્ચથી શરૂ થયો હતો વૃદ્ધિનો સિલસિલો
પાછલા વર્ષ 4 નવેમ્બરથી લઈને 21 માર્ચ 2022 સુધી એટલે કે 137 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. ત્યારબાદ 22 માર્ચ 2022થી બંને ઈંધણોના ભાવમાં વૃદ્ધિનો સિલસિલો શરૂ થયો હતો. અત્યાર સુધી 13 કટકામાં પેટ્રોલ અને ડીઝલ 9.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘા થઈ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube