ગૌરવ દવે, રાજકોટઃ જો તમે કાયમ રિક્ષામાં મુસાફરી કરો છો, તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. અને તેમાં પણ જો તમે રાજકોટમાં રહો છો, તો વધારે સતર્ક રહેજો. જીહાં, રાજકોટમાંથી પોલીસે એક એવી ગેંગના સાગરિતોને પકડ્યા છે, જેઓ માત્રને માત્ર રિક્ષામાં બેઠેલા લોકોને જ લૂંટવાનું કામ કરે છે. આ લોકો મુસાફર બનીને તમારી સાથે બેસી જશે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે લૂંટાઈ ગયા છે. ત્યારે રિક્ષામાં લોકોને લૂંટતી કોણ છે આ ગેંગ અને કેવી છે આ ગેંગની મોડસ ઓપરેન્ડી... જોઈએ આ રિપોર્ટમાં.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા ટીવી સ્ક્રીન પર દેખાતા આ શખ્સો, જો તમારી સાથે રિક્ષામાં બેઠેલા જોવા મળે તો ચેતી જજો. કારણ કે આ ગેંગના લોકો શહેરની દોડધામ વચ્ચે રિક્ષામાં બેસવા માટે પડાપડી કરતા લોકો પાસેથી પૈસા અને મોબાઈલની કરે છે ઉઠાંતરી. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ અને રોકડની ચોરીના બનાવો વધવા લાગ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાંચે તપાસનો ધમધમાટ ચલાવીને રિક્ષામાં બેઠેલા લોકોના પૈસા અને મોબાઈલની ઉઠાંતરી કરતી ગેંગના 4 શખ્સોને દબોચી લીધા છે.


આ પણ વાંચોઃ ઉત્તરાયણને દિવસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બે લોકોના મોત


પોલીસ ગિરફ્તમાં ઉભેલા આ ચારેય લોકોના નામ છે રાહિલ બાબવાણી, રફીક ઉર્ફે ભેરો હનીફભાઈ શેખ, ગુણવંત મકવાણા અને રમજુ રાઉમાન. આરોપીની લૂંટ ચલાવવાની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો  આરોપીઓ ચાલુ રિક્ષામાં લૂંટને અંજામ આપતા, પહેલાં તેઓ મુસાફરને ટાર્ગેટ બનાવતા, બાદમાં તેઓ રિક્ષામાં મુસાફર પાસે ગોઠવાઈ જતાં, અડધા રસ્તે પહોંચ્યા બાદ આરોપીઓ ઉલટી-ઉબકાનો ઢોંગ કરતા, આરોપીઓ ઢોંગ કરીને મુસાફરનું ધ્યાન ભટકાવી દેતા, જે બાદ મુસાફરની નજર ચૂંકવીને પૈસા અને મોબાઈલની લૂંટ ચલાવતા.  પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, ત્રણ રિક્ષા સહિત કુલ 2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીઓએ અત્યાર સુધીમાં 36 લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. 


આરોપીઓએ માત્ર રાજકોટ જ નહીં, વાંકાનેર, પડધરી, વીંછીયા અને ચોટીલામાં પણ રિક્ષામાંથી લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હાલ તો પોલીસે આરોપીઓને દબોચાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ ઘણા દિવસથી રિક્ષામાં લૂંટ કરતી ટોળકી પકડાઈ જતાં પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube