ઝી બ્યુરો/ગાંધીનગર: ડુંગળીની નિકાસ પર સરકારે પ્રતિબંધ મુકતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ અને ભાવનગરમાં તો ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી હાઈ-વે ચક્કાજામ કર્યો છે. જ્યારે રાજ્યમાં હાલ ડુંગળીનો સળગતો મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે ઋષિકેશ પટેલે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ઋષિકેશ પટેલે કહ્યું કે ખેડૂતો રજૂઆત કરશે, તો આ મુદ્દે જરૂરથી વિચારીશું. ડુંગળીની એક્સપોર્ટ બંધ થતા વેપારી અને ખેડૂતોને મોટી નુકશાની ભોગવવાની નોબત આવી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ હજુ પણ જોઈ રહ્યા છે રાહ?
ઋષિકેશ પટેલના નિવેદનથી વિવાદ થયો છે. જેમાં સરકાર જાણે ખેડૂતોની રજૂઆતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂત મિત્રો કાન ખોલીને સાંભળો..સરકાર તમારી રજૂઆતની રાહ જોઈ રહી છે. પ્રવક્તા મંત્રીના આ નિવેદનથી ઋષિકેશ પટેલને જાણે ખેડૂતોના આંસુ દેખાતા નથી. રાજ્યમાં ખેડૂતો રાતાપાણીએ રોઈ રહ્યા છે, સ્થિતિ કપરી છે. તેમ છતાં શું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ હજુ પણ જોઈ રહ્યા છે રાહ? શું સરકાર ખેડૂતોના વિરોધથી અજાણ છે?મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું અમને ખેડૂતો રજૂઆત કરે, આ શું? સરકાર શું ખેડૂતો તેમની પાસે આવીને પગ પકડીને પોતાની વેદના રજૂ કરે તો જ સહાય કે મદદ કરશે.


રજૂઆત મળશે તો સરકાર હરકતમાં આવશે
ડુંગળી મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું આ નિવેદન ખેડૂતો માટે ઘણું હેરાન કરનાર છે. તેમણે જણાવ્યું કે, જ્યારે જ્યારે અવાજ ઉઠ્યો છે ત્યારે ત્યારે સરકાર ખેડૂતોના વહારે આવી છે અને તમામ રજૂઆતોનું નિવારણ કર્યું છે.
આ વખતે પણ રજૂઆત મળશે તો કૃષિમંત્રી અને રાજ્ય સરકાર ખેડૂતોની વહારે આવશે. ખેડૂતોને થતી તકલીફ પર રજૂઆત મળશે તો સરકાર હરકતમાં આવશે. 


ખેડૂતોના વિરોધ પર નરેશ પટેલનું નિવેદન
રાજકોટ કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આજે પત્રકાર પરિષદ કરી. પત્રકારો સાથે વાતચીતમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોના વિરોધના મુદ્દે તેમણે ખેડૂતોનો પક્ષ ખેંચ્યો. નરેશ પટેલે કહ્યું કે સરકારે તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ. એવી સ્થિતિ જ ન થવા દેવી જોઈએ કે ખેડૂતોએ વિરોધ કરવો પડે.


કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો સીએમને પત્ર
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવાની માંગણી કરી છે. પીએમ મોદીને ગુજરાતના ખેડૂતોનું નુકશાન અટકાવવા નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવા માંગ કરી છે. ચાવડાએ કહ્યું કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે જથ્થાબંધ ભાવો ઘટ્યા.