RJ કુણાલના પિતાની આત્મહત્યામાં નવો વળાંક, 15 પાનાંની સ્યૂસાઈડ નોટમાં ખૂલ્યો ભેદ
RJ Kunal Father Suicide : RJ કુણાલના પિતાના આપઘાત કેસમાં ચાર સામે ફરિયાદ.. મૃતક ભૂમિના માતા-પિતા સહિત ચાર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ...ભૂમિ આત્મહત્યા કેસની પતાવટ માટે માગ્યા હતા એક કરોડ...
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના RJ કુણાલ દેસાઈના પિતાએ ગઈકાલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી તેમના પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના બાદ આજે સોલા પોલીસે 306 મુજબની ફરિયાદ નોંધી છે. સોલા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે.
સમગ્ર શહેરને મિર્ચી મુર્ગા નામે હસાવનાર અને આ શો થકી જાણીતો બનેલો રેડિયો જોકી RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ વાલાભાઈ દેસાઈએ ગઈકાલે રેલવે ટ્રેક પર આપઘાત કર્યો હતો. આત્મહત્યા અંગે કુણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ઈશ્વરભાઈ દેસાઈના મૃતદેહ પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી મળેલી સ્યૂસાઈડ નોટમાં અનેક વાતોનો ઉલ્લેખ કરાયો છે. 15 જેટલા પેજની સ્યૂસાઈટ નોટમાં કુણાલના પિતા ઈશ્વરભાઈએ પુત્રની પહેલી પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો સામે આરોપ મૂક્યો છે. તેમણે સ્યૂસાઈડ નોટમાં લખ્યુ છે કે, ભૂમિ પંચાલના પરિવારજનોના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યો છું.
આ પણ વાંચો : નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, મહારાષ્ટ્રથી આવતા વાહનોને વાપી પાસે જ રોકાયા
સમગ્ર મામલે સોલા પોલીસે 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. મૃતક ભૂમિના માતાપિતા સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રવીણ પંચાલ, કવિતા પંચાલ, રમેશ પંચાલ અને ભુવાજી લક્ષ્મણ દેસાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. ભૂમિ આત્મહત્યા કેસની પતાવટ માટે ભૂમિના પરિવારે તેમની પાસેથી એક કરોડ માંગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભૂમિ પંચાલે 21 જાન્યુઆરી 2016 ના રોજ આત્મહત્યા કરી હતી. ભૂમિ પંચાલ આત્મહત્યા કેસમાં કુણાલ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો. આ મામલે RJ કુણાલને 9 મહિના જેલમાં વીતાવવા પડ્યા હતા. ભૂમિ પંચાલ આત્મહત્યા કેસની પતાવટ માટે એક કરોડની માંગણી કરી 75 લાખમાં ડીલ નક્કી કરાઈ હતી. તેમજ ભૂમિના પરિવારજનોએ ધમકી આપી હતી કે, જો રૂપિયા નહિ ચૂકવો તો ફાંસીની સજા માટે તૈયાર રહેજો.