વડોદરા: રાજ્યમાં લૂંટના કેસ વધી રહ્યા છે, ત્યારે વડોદરાના વાસણામાં ભાજપના કોર્પોરેટરના ભાઈના ઘરમાં જ રિવોલ્વરની અણીએ લૂંટ થઈ છે. આ ઘટનામાં 50 તોલા સોનું અને રોકડ લઈને લૂંટારૂઓ ફરાર થયા હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના સંદર્ભે દીપકભાઈ પટેલ અને દિવ્યા પટેલ સાથે વાત કરી હતી. વડોદરામાં દંપતીને રિવોલ્વરની અણીએ બંધક બનાવી લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં દંપતીએ જણાવ્યું હતું કે, ઘરમાં અચાનક લૂંટારૂઓએ પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દીપકભાઈ પટેલને લૂંટારૂઓએ માર માર્યો હતો અને ઘરનાં રૂમમાં દોરીથી બાંધી દીધા હતા. પછી મારવાની ધમકી આપી તિજોરીની ચાવી લઈ લૂંટ ચલાવી હતી. લૂંટારુંઓ હિન્દીમાં વાત કરતા હોવાની વાત પણ સામે આવી છે. આ ઘટનાના કારણે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.


ભાજપ કોર્પોરેટર સંગીતાબેન પટેલે આ ઘટના બાદ એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે જે ચિંતાનો વિષય છે. સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરીશ. પોલીસ હમણાં આરોપીઓને શોધી રહી છે. આરોપીઓએ મારા ભાઈને માર માર્યો છે, સેલોટેપથી મોઢું બાંધી દીધું હતું.