રવિ અગ્રવાલ/વડોદરા :સ્માર્ટ સીટી વડોદરા માં ડ્રેનેજની સફાઈ હવે રોબોટ કરશે. કારણ કે કોર્પોરેશને કેરલની એક કંપની પાસેથી રોબોટ મંગાવી તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ રોબોટ આગામી સમયમાં વડોદરાના માર્ગો પર ડ્રેનેજની સાફ સફાઈ કરતા જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના મેયર જીગીશા શેઠે જણાવ્યું કે, વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગટર લાઇનોની સફાઈ માટે એક નવી વ્યવસ્થા અપનાવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાએ રોબોટની ખરીદી કરવાની વિચારણા કરી રહી છે. જેના માટે છેલ્લા પાંચ દિવસથી રોબોટથી ગટરની સાફ સફાઈ કરાવી ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન કેરળની જેન રોબોટિક્સ સ્ટાર્ટ અપ કંપનીના યુવાનો પાસે રોબોટની આચારસંહિતા બાદ ખરીદી કરશે. વડોદરાના મેયરે કહ્યું કે ડ્રેનેજની સફાઈ કરતા સમયે કેટલીકવાર કર્મચારીઓના મૃત્યુ થાય છે. રોબોટ આવ્યા બાદ કર્મચારીઓને ડ્રેનેજમાં નહી ઉતારાય. 



કેરળની કંપનીએ વિવિધ પ્રકારના વાયરિંગથી જોડાણ કરી રોબોટનું નિર્માણ કર્યું છે અને તેની સાથે કેમેરા પણ લગાડ્યા છે. જેના કારણે રોબોટને ગટરમાં ઉતારાય તો અંદરની સ્થિતિ જાણી શકાય. રોબોટ કામ કરે તે માટે બહાર લાગેલા ડિસ્પ્લે પર જોઈ શકાય અને કમાન્ડ પણ આપી શકાય તેવી વ્યવસ્થા છે. રોબોટ એક વખતમાં 20થી 23 લિટર કચરો બહાર લાવી શકે છે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોબોટમાં માનવીના જેમ હાથ, આંખ, પગ, મોઢા લાગેલા છે, જે ઈલેક્ટ્રીક પાવરથી ચાલે છે અને 8 કલાકની કેપિસીટી છે. કોર્પોરેશનના ડ્રેનેજ સફાઈ કર્મચારી કહે છે કે રોબોટથી કર્મચારીઓને ખૂબ ફાયદો થશે. 


રાજ્યની મહાનગરપાલિકાઓમાં વારંવાર ગેસ ગળતરના કારણે સફાઈ કામદારોના મોત થવાની ઘટનાઓ બને છે, ત્યારે આ રોબોટના કારણે આવી ઘટનાઓ નહિ બને અને સફાઈ કામદારોના જીવનું જોખમ પણ ઘટશે. ઉપરાંત ગટર લાઇનની સફાઈની કામગીરીની ચોકસાઈ પણ વધશે. ત્યારે વડોદરા કોર્પોરેશનની નવતર પહેલ આગામી સમયમાં સમગ્ર રાજયમાં અમલમાં મુકાય તો નવાઈ નહિ.