કોંગ્રેસ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, અમદાવાદ ઈસ્ટના ઉમેદવારે ચૂંટણી લડવાની પાડી ના
અમદાવાદ ઈસ્ટથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાના પિતાની નાદુરસ્ત તબીયતને કારણે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી છે.
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ સામે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે અત્યાર સુધી 7 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ ઈસ્ટ સીટ પર રોહન ગુપ્તાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી છે.
રોહન ગુપ્તાએ કરી પોસ્ટ
રોહન ગુપ્તાએ પોતાના એક્સ પર લખ્યું કે- મારા પિતાની તબીયત બહુ ખરાબ છે અને તે હોસ્પિટલમાં દાખલ છે, એટલે હું અમદાવાદ ઈસ્ટ વિધાનસભા સીટ પરથી મારી ઉમેદવારી પરત ખેંચુ છું. પાર્ટી દ્વારા જે નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે તેનું હું સમર્થન કરીશ.
રોહન ગુપ્તાના પિતાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
રોહન ગુપ્તાના પિતા નાદુરસ્ત તબીયતને કારણે હોસ્પિટલમાં દાખલ છે. રાજકુમાર ગુપ્તાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપ પ્રમુખ અને ખજાનચી રહી ચુક્યા છે. તેમણે ખરાબ સ્વાસ્થ્યને કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. રાજકુમાર ગુપ્તા છેલ્લા કેટલાક દિવસથી ખરાબ સ્વાસ્થ્યને કારણે હોસ્પિટલમાં દાખલ છે.
હવે કોંગ્રેસે શોધવા પડશે નવા ઉમેદવાર
ગુજરાતમાં કોંગ્રેસે અત્યાર સુધી કુલ સાત ઉમેદવાર જાહેર કર્યાં હતા. જેમાં અમદાવાદ ઈસ્ટ બેઠક પરથી રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પરંતુ રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડતા પાર્ટીએ હવે નવા ઉમેદવાર શોધવા પડશે. ગુજરાતમાં કોંગ્રેસ 26માંથી 24 સીટો પર ચૂંટણી લડવાની છે, જ્યારે બે બેઠક તેણે આમ આદમી પાર્ટીને આપી છે.
કોંગ્રેસે જાહેર કર્યાં હતા સાત નામ
કોંગ્રેસે અત્યાર સુધી 7 નામ જાહેર કર્યા છે...જેમાં પોરબંદરથી લલિત વસોયા, બનાસકાંઠાથી ગેનીબહેન ઠાકોર, વલસાડથી અનંત પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનના નામનો સમાવેશ થાય છે.