બ્રિજેશ દોશી, અમદાવાદ: વિધાનસભા સત્રની શરૂઆતથી જ રાજ્ય સરકારના એક મંત્રીએ યોજેલા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોના સમુહ ભોજનથી નવો વિવાદ ઊભો થયો છે. સામાન્ય રીતે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોનું સમુહ ભોજન વિવાદ નથી બનતું પણ આ વખતે રાજ્યસભાની ચૂંટણીઓ આવી રહી છે એવા સંજોગોમાં આ મુદ્દાએ રાજકીય રંગ પકડયો છે. રૂપાણી સરકારના મંત્રીએ ભાજપ-કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યોનું સમૂહભોજન ગોઠવતા આ વિવાદ ઊભો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રોનું માનીએ તો વિધાનસભા અધ્યક્ષ પાસે આ માટે મંજૂરી માંગવામાં આવી હતી કારણ કે વિધાનસભા પરિસરમાં આ પ્રકારના આયોજન માટે મંજૂરી ફરજીયાત છે. વિધાનસભા અધ્યક્ષની મંજુરી બાદ સમૂહ ભોજ યોજાયો પણ ખરો અને ત્યારબાદ 3-4 દિવસ સુધી આ પ્રકારનું આયોજન થતા ભાજપના નેતાઓને ફાળ પડી અને કોઈપણ નવાજુની થાય એ પહેલાં જ સરકારના સિનિયર મંત્રીએ આયોજન કરનાર મંત્રીને ઠપકો આપ્યો અને ભવિષ્યમાં આ પ્રકારના આયોજનોથી દૂર રહેવા સૂચના આપી હતી. 


ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળ્યા બાદ પક્ષ આ પ્રકારનું કોઈ જોખમ લેતો નથી. હવે ભલે ભાજપનું સંખ્યાબળ 103 હોય પણ 15-20 ધારાસભ્યોને સતત સંપર્કમાં રહે તો બળવાખોરી જેવી ઘટના થવાના એંધાણથી ભાજપના સિનિયર મંત્રીઓએ મામલો થાળે પાડ્યો હતો. શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં ક્યારેય આ પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યો સાથે આત્મીયતા કે નિકટતા જોવા મળી નથી. પણ એક પછી એક કોંગ્રેસના સિનિયર નેતાઓને ભાજપમાં લાવીને મંત્રી બનાવ્યા પછી આ નિકટતાનો અનુભવ ભાજપને થયો અને કદાચ તેના કારણે જ ભાજપના નેતાઓને બળવાખોરીનો ડર સતાવી રહ્યો છે. 


આ ઘટનાની વચ્ચે જ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિરજી ઠુંમરે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કામગીરીના વખાણ કરીને 15 ધારાસભ્યો સાથે બળવો કરી મુખ્યમંત્રી બનવા આમંત્રણ આપતા વિવાદને વધુ જોર મળ્યું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ગૃહરાજ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યો મોદી સરકારથી પ્રભાવિત હોવાની વાત કરીને જોડતોડના રાજકારણને હવા આપી ત્યારે તેના જવાબમાં વિરજી ઠુંમરે પણ મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી દીધી. 


વિધાનસભા ગૃહમાં આ પ્રકારની સીધી ઓફરો વચ્ચે રૂપાણી સરકારના મંત્રીનું આ સમૂહ ભોજન વિવાદનું કેન્દ્ર બન્યું છે. જો કે મંત્રીએ કરેલું આયોજન સામાન્ય હતું અને તેમાં કોઈ રાજકીય સ્વાર્થ ન હતો, પણ ભાજપમાં આ પ્રકારના આયોજનો સીધા ન થતા હોવાથી ભાજપના નેતાઓની ચિંતા બહાર આવી અને કેતન ઈનામદારની નારાજગી બાદ વધુ કોઈ નારાજગી સીધી બહાર ન આવે એટલે પહેલેથી જ ભાજપે રોક લગાવી દીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube