Sabarkantha News સાબરકાંઠા : શિક્ષક એવો હોવો જોઈએ વિદ્યાર્થીઓને સારી રીતે જ્ઞાન પિરસે. વિદ્યાર્થીઓને સમજાય એ સ્ટાઈલમાં ભણાવવું પણ એક આવડત છે. શિક્ષણમાં અનોખા અંદાજે તાલીમ આપનાર શિક્ષકો બહુ જ જલ્દી વિદ્યાર્થીઓ વચ્ચે ફેમસ થઈ જતા હોય છે. આવા શિક્ષકો ક્યારેય ભૂલાતા નથી. ઉપરથી આજકાલ વીડિયોના જમાનામાં આવા શિક્ષકોની તાલીમના વીડિયો લોકોમાં પોપ્યુલર થઈ જાય છે. આવા જ એક શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સાબરકાંઠાના ઇડરની પ્રાથમિક શાળા નંબર 1 ના શિક્ષકનો ગમ્મત સાથે જ્ઞાનના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈડરની એક પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું મનોરંજન કરે છે. ઇડર પ્રાથમિક શાળા-1ના શિક્ષક હિતેશ પટેલ બાળકોને ડાન્સ સાથે મનોરંજન પુરૂ પાડી રહ્યાં છે. શાળાના એક શિક્ષક ગમ્મત સાથે જ્ઞાન આપવાનું કામ કરી રહ્યાં છે. આ શિક્ષક ૨૦૦૩ થી શિક્ષણવિભાગમાં જોડાયા બાદ આ કાર્ય કરી રહ્યા છે. 



શિક્ષક હિતેશ પટેલનું ગમ્મત સાથે જ્ઞાનનું કાર્ય છેલ્લા ૨૦ વર્ષથી યથાવત છે. હિતેશ પટેલે ૨૦૦૩ માં શિક્ષક તરીકે ખેડબ્રહ્મા ખેરોજ જૂથ શાળાથી શરૂઆત કરી હતી. ૨૦૧૩ માં વસાઈ CRC તરીકે ફરજ બજાવી છે. તેના બાદ ૨૦૧૭ થી ઇડરની શાળા નં ૧ માં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. 


ભાર વિનાના ભણતરની આવી પ્રવૃતિઓને કારણે જ તેમણે તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. હિતેશ ભાઇ ધોરણ-6થી 8માં ગણિત ભણાવે છે પણ તેમના વિષયનો ભાર બાળકો પર ના પડે તેનું પણ તેઓ ખાસ ધ્યાન રાખે છે. ગણિત પણ રમૂજી રીતે ભણાવે છે જેને કારણે બાળકોને પણ દાખલા સારી રીતે યાદ રહી જાય છે. ‘મારે ગોવાળિયો થાવું છે’ સહિતના ગીત દ્વારા બાળકોનું મનોરંજન કરે છે.શિક્ષકની આવી પ્રવૃતિને કારણે શાળામાં બાળકોની હાજરી પણ વધી છે.