Sabarkantha Lok Sabha Result Election 2024: સાબરકાંઠા લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ બેઠક પર ભાજપે ઉમેદવાર પણ બદલવો પડ્યો હતો અને પુરુષને બદલે મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને મેદાને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. કોંગ્રેસે ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. શરૂઆતના ટ્રેન્ડમાં તુષાર ચૌધરીએ શોભનાબેનને બરાબરની ટક્કર આપી હતી. પરંતુ બાદમા પાસું પલટાયુ હતું. મતગણતરીના લેટેસ્ટ અપડેટ અનુસાર, શોભનાબેન બારૈયા 80889 મતથી  આગળ ચાલી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠા બેઠક-


  • શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, ભાજપ - 280564 મત

  • તુષાર ચૌધરી, કોંગ્રેસ - 199675 મત

  • 80889  મતથી ભાજપ આગળ
     


ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મે ના લોકસભાનું મતદાન યોજાયું હતું. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકનું 63.22 ટકા મતદાન થયું હતું જે ગત લોકસભામાં થયેલ મતદાન કરતા 4 ટકા ઓછુ થયું હતું. આજે હિંમતનગરની સરકારી પોલીટેકનિક કોલેજમાં સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 2326 મતદાન મથકોના EVMના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. તેમજ લાખથી વધારે મતોની ગણતરી માટે 2 હજારથી વધારેનો સ્ટાફ ફરજ પર હાજર રહેશે. સાથોસાથ થ્રી લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


સાબરકાંઠા બેઠકનું રાજકીય ગણિત
આદિવાસી બહુમૂલક વસ્તી ધરાવતી લોકસભા બેઠક એટલે સાબરકાંઠા. સાબરકાંઠા બેઠક પરથી દેશના બે વખતના કામચલાઉ વડાપ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદા અને સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ સાબરકાંઠાથી સાંસદ બન્યા હતા. એક સમયે આ બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો, પણ 2009થી આ બેઠક ભાજપ હસ્તક આવી અને છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ ઉમેદવાર સાંસદ બન્યા છે.


શોભનાબેન વર્સિસ તુષાર ચૌધરી
2024માં ભાજપે જાહેર કરેલ ઉમેદવાર ભીખાજી દૂઘાજી ઠાકોરની અટકનો વિવાદ થતા ભાજપે ઉમેદવાર બદલીને કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા પર પસંદગી ઉતારી છે. શોભનાબેન બારૈયા સામે પક્ષમાં આંતરિક વિરોધ થયો, જાહેર પ્રદર્શન થયા, મતદાનના દિવસ સુધી શોભનાબેનનો સતત વિરોધ થતો રહ્યો. પક્ષના ઉમેદવાર સામે આંતરિક વિરોધ અને ક્ષત્રિય સમાજના આંદોલનના સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠાના હિંમતનગર ખાતે જાહેરસભા સંબોધી હતી.


કોંગ્રેસનું આદિવાસી સમીકરણ
સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસે આદિવાસી સમીકરણ ખેલ્યું છે. ડૉ. તુષાર ચૌધરી ના માતા પિતા પણ સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તુષાર ચૌધરીના પિતા અમરસિંહ ચૌધરી ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટણી લડી મુખ્ય પ્રધાન પણ બન્યા હતા. ત્યારબાદ તેમના માતા નિશાબેન ચૌધરી પણ ત્રણ ટર્મ સુધી સાબરકાંઠા બેઠક પર ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસે ગત ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલી ટક્કરમાં કોંગ્રેસના તુષાર ચૌધરી ખેડબ્રહ્મા વિધાનસભા પર વિજયી થયા હતા. હાલમાં તેઓ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે. આમ, કોંગ્રેસના પૂર્વ સાંસદ નિશાબહેન અમરસિંહ ચૌધરીના પરિવારના અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીને ટિકિટ આપી અને ખામ થિયરીનો લાભ લેવાનો પ્રયાસ કર્યો. સાબરકાંઠા લોકસભા બેઠક પર 2024માં વિજય હાંસલ કરવા માટે કોંગ્રેસે આદિવાસી, દલિત, ક્ષત્રિય અને મુસ્લિમ મતદારો વચ્ચે જઈ પોતાનો પ્રચાર કર્યો હતો.