પ્રાંતિજના ખેડૂતોની મહેનત માથે પડી, હોંશે હોંશે ટ્રેક્ટરમાં ફ્લાવર ભરીને માર્કેટયાર્ડ પહોંચ્યા તો ભાવ જ બેસી ગયો
પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે. તેમાં પણ ફ્લાવરની ખેતી વધુ હોય છે, જે ફુલાવર અમદાવાદ સહિત રાજ્યભરમાં અહીંથી વેચાણ માટે જાય છે. ત્યારે હાલમાં ફ્લાવરનો 40 થી 80 રૂપિયાના વીસ કિલો મળતા ફ્લાવર પકવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે. તેમાં પણ ફ્લાવરની ખેતી વધુ હોય છે, જે ફુલાવર અમદાવાદ સહિત રાજ્યભરમાં અહીંથી વેચાણ માટે જાય છે. ત્યારે હાલમાં ફ્લાવરનો 40 થી 80 રૂપિયાના વીસ કિલો મળતા ફ્લાવર પકવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામા ફ્લાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે અને પ્રાંતિજ તાલુકો ફ્લાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબરે છે. પ્રાંતિજનુ ફલાવર-કોબીજ ગુજરાતના શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના નાના-મોટા શહેરો તથા મહારાષ્ટ્રના મુંબઇ, પુણા, નાસિક સહિત દિલ્હી, ઉદેપુર સહિત જાય છે. તો વિદેશોમાં પણ પ્રાંતિજના ફ્લાવરની માંગ છે. ત્યારે હાલ પ્રાંતિજ સહિત તાલુકામાં નાના ખેડૂતોથી લઈને મોટા ખેડૂતો દ્વારા અન્ય શાકભાજીની અન્ય ખેતી છોડીને ફલાવરની ખેતી તરફ વળતા ફલાવરનો પાક પુષ્કળ પ્રમાણમાં તૈયાર થયો છે. તેનો ઉતારો પણ સારો આવે છે. પરંતુ ખેડૂતોને તેમની મહેનત મુજબનો ભાવ નથી મળી રહ્યો. કારણ એ જ કે ઉતારો વધુ અને બજારમાં વેચાણ માટે એક સાથે વધુ ફ્લાવર આવતા હાલ બજાર ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને હોલસેલમા 20 રૂપિયે કિલોનો ભાવ 40 થી 80 રૂપિયા એટલે કે બજાર ભાવ 2 રૂપિયાથી 4 રૂપિયા જેટલો મળી રહ્યો છે. હાલ તો મોંઘુ બિયારણ દવા, ખાતર , પાણી-ખેડ મહેનત સહિત પાઉચ (ઝભલા) જેવો ખર્ચ પણ માથે પડ્યો છે. પુષ્કળ પ્રમાણમાં પાકને લઈને ફ્લાવર માર્કેટયાર્ડ ખાતે વેચાણ અર્થે આવે છે, પણ ભાવ ના મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે વધુ પડતા એક સાથે પાકને લઈને ખેતરોમા જ્યાં જુઓ ત્યા ફલાવરનો ભરાવો થયો છે. માર્કેટમાં સફેદ ચાદર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં નેપાળી મહિલાની તેના જ ઘરમાં ગળુ કાપીને હત્યા કરાઈ, લોહીના ખાબોચિયામાં રમી રહી હતી એક વર્ષની દીકરી
એક ખેડૂત પંકજસિંહ રાઠોડે જણાવ્યું કે, પ્રાંતિજમાં સૌથી વધુ વાવેતર ફ્લાવરનું થતું હોય છે. જેને લઈને માર્કેટયાર્ડમાં હાલમાં સૌથી વધુ આવક ફ્લાવરની થાય છે. જેને લઈને માલનો ભરાવો થતા ભાવ ઓછો છે. ઉપરાંત દિલ્હી અને નાસિકમાં સ્થાનિક કક્ષાએ આવક હોવાને લઈને વેચાણ થતું બંધ થયું છે. તો વાતાવરણની અસરને લઈને ફ્લાવરમાં ઉત્પાદન વધુ થયું છે. જેથી તૈયાર થયેલ ફુલાવર કાપી નાખવું પડે છે. જેને ખેતરમાં રાખવા માટે કોઈ વિકલ્પ નથી. જો ના કાપવામાં આવે તો પાક બગડી જાય છે માટે કાપેલો પાક વેચાણ કરવો પડે છે. આમ એક વીઘામાં બિયારણની 12 પડીકી, ખાતરની છ થેલી સાથે મજુરી, વીજબીલ અને પ્લાસ્ટિકના ઝભલામાં પેક કરી વાહનમાં ભરી વેચાણ માટે લઇ જવામાં આવે ત્યારે ખર્ચની સામે ભાવ મળતા નફો તો નથી થતો. પરંતુ નુકશાનમાં વધુ નુકશાન થાય છે.
આ પણ વાંચો : મોબાઈલની ખરીદી પર પર મેળવો કાશ્મીર ફાઈલ્સની ફ્રી ટિકિટ, ફિલ્મને પ્રમોટ કરવા ગુજરાતી વેપારીઓનું અનોખુ માર્કેટિંગ
પ્રાંતિજના અન્ય એક ખેડૂત મદનસિંહ રાઠોડ જણાવે છે કે, તો ખેડૂતો વેચવા જાય ત્યારે ઘણીવાર તો વાહનમાં લઇ ગયેલ ફ્લાવર વેચાણ ના થાય તો પાછુ લાવવું પડે છે અને ફેંકી પણ દેવું પડે છે. તેની મૂકી રખાતું પણ નથી. ફ્લાવર વાતાવરણની અસરને લઈને સમય કરતા જલ્દી ફૂટી જાય છે અને ઉત્પાદન થયેલું ફ્લાવર ઉતારી લેવું પડે છે. ખેડૂતોને ઉતારો લીધા પછી ના વેચાય તો પણ નુકશાન અને ના ઉતારે તો ખેતરમાં બગડી જાય, જેથી બંને બાજુએ નુકસાન જ છે. કુદરતના આધારે ખેડૂત બંને તરફથી ખેડૂત પીસાય છે. તો માર્કેટયાર્ડમાં વધુ આવક થાય છે ત્યારે તેનો ભાવ પણ ઓછો મળે છે. માર્કેટયાર્ડમાં દરરોજ 1000 થી 1200 ક્વિન્ટલ આવક થાય છે અને છેલ્લાં પાચ દિવસથી ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ફ્લાવરના પાકને જો વીમાનું કવચ આપવામાં આવે તો નુકશાનમાં ઘટાડો થઇ શકે છે તેવુ ખેડૂતોનુ કહેવુ છે.
આ વિશે પ્રાંતિજ માર્કેટયાર્ડના સેક્રેટરી શૈલેષ પટેલ જણાવે છે કે, વાતાવરણમાં ફેરફારને લઈને ફ્લાવરનો પાક બજારમાં વધુ આવતા ભાવ ઘટાડો થઇ રહ્યો છે. અગામી સમયમાં પણ ભાવ વધુ ઘટશે તેવું લાગી રહ્યું છે. જેને લઈને ખેડૂતોને વધુ નુકસાન જવાની વકી જણાઈ રહી છે.