નવરાત્રિ માટે સલામતી વ્યવસ્થા, યુવાનોમાં વધતા હાર્ટ એેટેકને જોતાં આયોજકો સતર્ક, ખૈલૈયાઓ માટે CPRની તાલીમ લેતો ગ્રાઉન્ડ સ્ટાફ
ગુજરાતભરમાં નવરાત્રિની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે તૈયાર છે. તો આયોજકોએ પણ પોતાની તૈયારી કરી લીધી છે. પરંતુ આ વખતે નવરાત્રિના આયોજનમાં એક ખાસ ફેરફાર જોવા મળવાનો છે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ જોતા આયોજકો એલર્ટ થઈ ગયા છે.
અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે, ત્યારે નવરાત્રિના વ્યાવસાયિક આયોજનના આયોજકોએ આ બાબતને પણ ધ્યાનમાં લીધી છે. ગરબાના સ્થળે હાર્ટ એટેકની સારવાર માટે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કેવી છે વ્યવસ્થાઓ, જોઈએ આ અહેવાલમાં.
યુવાનો જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે, તે નવરાત્રિનો અવસર હવે દૂર નથી. 15મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ગરબાની રમઝટ જામશે. આ માટે પૂરજોરમાં તૈયારીઓ ચાલી રહી છે...યુવાનો પોતાની રીતે તૈયારી કરી રહ્યા છે અને ગરબાના આયોજકો પોતાની રીતે.
જો કે આ વખતે તમે ગરબાના મોટા આયોજનમાં જશો, ત્યારે તમને કંઈક નવી વ્યવસ્થા જોવા મળી શકે છે. આ વ્યવસ્થા ખૈલૈયાઓની સલામતી માટે છે. જે રીતે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવ વધ્યા છે, તેને જોતાં આયોજકો મેદાનમાં હોસ્પિટલ જેવી સુવિધાઓ પર ભાર આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ હવે પાટણ યુનિવર્સિટીમાંથી મળી દારૂની ખાલી બોટલો, ગુજરાતમાં ફરી શિક્ષણ ધામ વિવાદમાં
વડોદરામાં ગરબાનાં સૌથી મોટા આયોજન યુનાઈટેડ વે બરોડાના આયોજકોએ ખેલૈયાઓને હાર્ટ અટેકથી બચાવવા કાર્યકરોને CPRની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. આ માટે ગ્રાઉન્ડ પર ફરજ બજાવતાં કાર્યકરોને હાર્ટ હોસ્પિટલના તબીબો CPRની તાલીમ આપી રહ્યા છે. કાર્યકરોને પ્રાથમિક ઉપચાર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ પણ આપવામાં આવી છે. મેદાનમાં બે મિની હોસ્પિટલ બનાવવામાં આવશે, જેમાં તબીબોની ટીમ તહેનાત રહેશે.
વડોદરામાં ફક્ત યુનાઈટેડ વે ના ગરબા જ નહીં, પણ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ક્લબ તેમજ નવલખી મેદાનમાં યોજાતા ગરબામાં પણ ખાસ તૈયારીઓ કરાઈ છે. ગરબાના ગ્રાઉન્ડ પર મિની હોસ્પિટલ અને ICU ઓન વ્હીલ્સની સુવિધા ઉભી પૂરી પાડવામાં આવશે. જ્યાં તાત્કાલિક સારવાર મળશે.
સુરતમાં પણ ગરબાના આયોજન સ્થળે વડોદરા જેવી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. મેદાનમાં તબીબોની ટીમ, એમ્બ્યુલન્સ અને ICU ઓન વ્હીલ્સની વ્યવસ્થા કરવામાં આવશે. મહાવીર જૈન કોલેજ ગ્રાઉન્ડમાં તો આયોજકો સુગર અને બીપીના દર્દીઓને વિનામૂલ્ય દવા પણ અપાશે.
આ પણ વાંચોઃ સુરતના ખેલૈયાઓમાં અનોખો ટ્રેન્ડ, આ વર્ષે દાંતમાં ડાયમંડ લગાવી ગરબે રમશે યુવતીઓ
છેલ્લા કેટલાક દિવસોમાં
અહીં ગરબા અને હાર્ટ એટેકને સાંકળીને વાત એટલા માટે કરાઈ છે, કેમ કે છેલ્લા કેટલાક દિવસોમાં ગરબા રમતાં રાજ્યમાં 3 યુવાનોએ જીવ ગુમાવ્યો છે. આ યુવાનોની ઉંમર 19થી 24 વર્ષ છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકથી અગાઉ અનેક યુવાનો જીવ ગુમાવી ચૂક્યા છે. યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ જ કારણ છે કે ગરબામાં સાવચેતી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube