ધર્માંતરણ કેસમાં વડોદરાના સલાઉદ્દીન શેખ સહિત 8 આરોપીઓ સામે દેશ વિરુદ્ધ યુધ્ધ છેડવાનો આરોપ
વડોદરાના ધર્માંતરણ કેસ : સલાઉદ્દીનને મળેલા 60 કરોડના ફંડના હિસાબની ઘનિષ્ઠ તપાસ; ગુજરાતની 8 અને મહારાષ્ટ્રની 45 મસ્જિદને ફંડિંગ થયું હતું.
હાર્દિક દીક્ષિત/વડોદરા : બહુચર્ચિત ધર્માંતરણ કેસમાં વડોદરાના સલાઉદ્દીન શેખ સહિત 8 આરોપીઓ સામે દેશ વિરુદ્ધ યુધ્ધ છેડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુપી ATS એ મુળ ફરીયાદમાં નવી કલમો ઉમેરી છે. યુપી ATS એ કોર્ટમાં રજુઆત કરતા આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ નવી કલમો ઉમેરાઈ છે. યુપી ની સ્પેશ્યલ કોર્ટે આદેશ કરતા આરોપીઓ વિરુદ્ધ આઈપીસી 121(એ) અને 123 નો ઉમેરો કરાયો છે. ઉલ્લેખનીય છેકે, ધર્મ પરિવર્તન અને હવાલા કાંડ મા વડોદરા નો સલાઉદીન શેખ, મૌલાના ઉમર ગૌતમ સહિત આઠ આરોપીઓ સામેલ હતાં. ધર્માન્તરણના માધ્યમ થી દેશમાં જનસંખ્યા સંતુલન બગાડી જુદા-જુદા ધર્મના લોકો વચ્ચે વૈમનશ્ય ફેલાવી દેશની એકતા અખંડિતતાને નુકસાન પહોચાડવાનો નાપાક ઈરાદો ધરાવતા હતા આરોપીઓ. તપાસ દરમિયાન આ તમામ હકીકત સામે આવી છે.
યુકેના અબ્દુલ્લાએ દુબઇના મુસ્તુફા મારફતે હવાલાથી નાણાં મોકલ્યાં હતાં:
ધર્માંતરણ અને ફંડિંગ મામલામાં સલાઉદ્દીન શેખને દુબઇથી હવાલા મારફતે મળેલા રૂા. 60 કરોડની રકમ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં કયા હેતુસર વાપરાઇ હતી તે મુદ્દાની ઝીણવટભરી તપાસ પોલીસ દ્વારા શરૂ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મુળ નબીપુરના પણ હાલયુકેમાં રહેતા અબદુલ્લા ફેફડાવાળાએ દુબઇથી મુસ્તુફા શેખ દ્વારા આ પૈસા મોકલ્યા હતા.
સલાઉદ્દીનને છેલ્લાં 5 વર્ષમાં હવાલા મારફતે 60 કરોડ રૂપીયા:
સલાઉદ્દીનને છેલ્લાં 5 વર્ષમાં હવાલા મારફતે 60 કરોડ રૂપીયા મળ્યા હતા. રૂા.19 કરોડ આફ્મી ટ્રસ્ટે એફસીઆરએ થકી રીસીવ કર્યાં હતા. તપાસમાં રકમ ધર્માંતરણ માટે,સીએએ વિરોધી આંદોલન અને ગેરકાયદેસર મસ્જીદ બનાવવા સલાઉદ્દીન વાપરતો હતો. કોમી તોફાનના આરોપીઓને છોડાવવા માટે પણ આ જ ફંડનો ઉપયોગ થયો હતો.હવાલાથી મળેલા પૈસામાંથી દેશની 103 મસ્જીદોને રૂા.7.50 કરોડનું ફંડીંગ થયું હતુ. જેમાંથી આસામમાં 3 મસ્જિદ, ગુજરાતમાં 8 મસ્જિદ, મહારાષ્ટ્રમાં 45 મસ્જીદ,મધ્યપ્રદેશમાં 17 મસ્જીદ અને રાજસ્થાનમાં 30 મસ્જીદને ફંડિંગ કરવામાં આવ્યું હતું.
આગામી સપ્તાહે મેળવાશે સલાઉદ્દીન અને ઉમરનો કબજો:
સલાઉદ્દીન તથા ઉમર ગૌતમનો કબજે લેવા એસઆઇટીની ટીમ એક સપ્તાહ સુધી લખનઉ રોકાઇ હતી. સલાઉદ્દીન સામે નવી કલમોનો ઉમેરો કર્યો હોવાથી અને સલાઉદ્દીન સહિતના આરોપીઓ યુપી પોલીસના રિમાન્ડ હેઠળ છે જેથી પોલીસ વડોદરા પરત ફરી હતી. પોલીસ બંનેનો કબજો મેળવવા રાહ જોઇ રહી છે. આગામી સપ્તાહે બંનેનો કબજો મેળવાય તેવી શકયતા છે.