પાલનપુર : ગતિશીલ ગુજરાતમાં બાદરપુરાના સરપંચે એક પરિવાર માટે આપ્યો તઘલકી નિર્ણય
લોકશાહીને વરેલા ભારત દેશમાં હજુ પણ તઘલખી નિર્ણયો અમલમાં છે તે એક વરવી વાસ્તવિક્તા છે. જેમાં એક સૈનિકના પરિવારનું દૂધ-પાણી અને અન્ય સહાય બંધ કરી દેવાની ઘટના બનાસકાંઠામાં સામે આવી છે. હમણાં દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઇ તેમની શહીદીને યાદ કરાઇ અને જવાનોને નતમસ્તક નમન કરાયા. પરંતુ બનાસકાંઠામાં આ વાતો ઓઝલ થઈ છે. પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં માજીરાણા પરિવારની સામાન્ય બાબતે ગામમાંથી સામૂહિક બહિષ્કાર થવાની ઘટના સામે આવી છે.
અલ્કેશ રાવ/પાલનપુર :લોકશાહીને વરેલા ભારત દેશમાં હજુ પણ તઘલખી નિર્ણયો અમલમાં છે તે એક વરવી વાસ્તવિક્તા છે. જેમાં એક સૈનિકના પરિવારનું દૂધ-પાણી અને અન્ય સહાય બંધ કરી દેવાની ઘટના બનાસકાંઠામાં સામે આવી છે. હમણાં દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઇ તેમની શહીદીને યાદ કરાઇ અને જવાનોને નતમસ્તક નમન કરાયા. પરંતુ બનાસકાંઠામાં આ વાતો ઓઝલ થઈ છે. પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં માજીરાણા પરિવારની સામાન્ય બાબતે ગામમાંથી સામૂહિક બહિષ્કાર થવાની ઘટના સામે આવી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, બદરપુરા ગામમાં વર્ષોથી રેશમબેન મજીરાણા નામના વિધવા મહિલા ગામમાં દૂર ઝૂંપડું બાંધીને રહે છે. તેમનો એક પુત્ર આર્મીમાં ફરજ બજાવે છે, તો અન્ય એક અપંગ પુત્ર અને એક દીકરી સાથે રહીને મહિલા મજૂરી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. રેશમાબેનને સરકારી સહાયરૂપે પ્લોટ મળતાં તેઓ તેની સનદ લેવા સરપંચ પાસે ગયા હતા. ત્યારે મહિલા સરપંચે અને તેના પતિએ આ વિધવા મહિલાને ભૂંડી ગાળો બોલીને હડદૂત કરી ધમકી આપી હતી. આ વિશે વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવતા ઉશ્કેરાયેલા સરપંચે ગામ ભેગું કરી વિધવા મહિલાના પરિવારનું દૂધ ,કરિયાણું, પાણી અને મજૂરી બંધ કરી તેમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જને કારણે વિધવા મહિલાનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
આ વિશે રેશમાબેને કહ્યું કે, અમે વર્ષોથી આ ગામમાં રહીએ છીએ. અમારો પ્લોટ મંજુર થતા હું તેના કાગળ લેવા ગઈ હતી. જ્યાં અમને પ્લોટ નહિ મળે તેમ કહી સરપંચે ગાળો બોલતા અમે ફરિયાદ નોંધાવી એટલે અમારો બહિષ્કાર કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, આ ગરીબ પરિવારનો દીકરો દેશ માટે ફરજ નિભાવી રહ્યો છે ત્યારે તેના જ પરિવારનું ગામ લોકોએ રાશનપાણી બંધ કરી દીધું છે. જેના કારણે આ પરિવારને પીવાનું તેમજ ઢોરોને પીવાનું પાણી દૂરદૂરથી ઉપાડીને લાવવા મજબૂર થવું પડ્યું છે.
ગતિશીલ ગુજરાતમાં એક તરફ વિકાસની વાતો થાય છે અને એક તરફ શહીદોના પરિવારોને મદદ માટે રાફડો ફાટી નીકળે છે. ત્યારે બાદરપુરા ગામના સરપંચે તઘલખી નિર્ણય લઇ અને ગરીબ પરિવારનો બહિષ્કાર કર્યો છે. જોકે આ સમગ્ર મામલે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતા મહિલા સરપંચ શાંતાબેન ભૂતડીયા અને તેનો પતિ ડોહજી ભુતેડીયા ફરાર થઈ ગયા છે.