સંઘ પ્રદેશ દમણમાં રસ્તાઓના હાલ બેહાલ, વરસાદમાં ધોવાઈ ગયા વિકાસના વાયદા!
આ અંગે અનેક વખત લોકોએ રજૂઆત કરી હાઇવે રીપેરીંગ કરવાની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી પ્રદેશ પ્રશાસન આંખ આડા કાન કરીને જ બેઠું છે. કોણ જાણે કેમ જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.
ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ બન્યા બિસ્માર
દમણના તમામ મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા પડ્યા
દમણના પ્રવેશદ્વાર સમા કોસ્ટલ હાઈવેની હાલત સૌથી ખરાબ
હાઈવે પર મોટા મોટા ખાડા પડી જતાં વાહનચાલકો પરેશાન
આ રસ્તા પરથી જીવના જોખમે પસાર થાય છે વાહનચાલકો
વરસાદમાં આ મોટો ખાડાઓમાં પાણી ભરાતા સર્જાય છે અકસ્માત
લોકોએ અનેકવાર રસ્તાઓ રિપેર કરવાની કરી માગ
તંત્ર લોકોના પ્રશ્નો સામે કરે છે આંખ આડા કાન
રસ્તાની આ સ્થિતિ સામે વાહનચાલકોમાં ભારે રોષ
નિલેશ જોશી, દમણ: સંઘ પ્રદેશ દમણમાં પણ રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થયું છે. ચોમાસાની શરૂઆતથી જ દમણના લગભગ તમામ મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડ્યા છે. સૌથી વધારે ખરાબ હાલત દમણના પ્રવેશદ્વાર સમા કોસ્ટલ હાઈવેની છે. આ કોસ્ટલ હાઇવે દમણને ગુજરાતની સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સાથે પણ જોડે છે. પરંતુ દમણમાં પ્રવેશતા જ આ હાઇવે પર પડેલા ખાડાઓ જ પર્યટકો નું સ્વાગત કરે છે મહત્વપૂર્ણ છે કે આ હાઇવે પરથી દમણના ઔદ્યોગિક વિસ્તારમાં રોજિંદા અપડાઉન કરતા હજારો કામદારોની ભારે વાહનો અને નાના-મોટા હજારો વાહનો પણ અહીંથી પસાર થાય છે.
દમણનો આ મુખ્ય માર્ગ છે. પરંતુ તેમ છતાં આ માર્ગ પર મસ મોટા ખાડા પડ્યા છે. આથી અકસ્માતો સર્જાય છે. સાથે જ આવા મોટા ખાડાઓમાંથી પસાર થતી વખતે વાહનોમાં નુકસાની પણ થાય છે. વરસાદ બંધ હોય ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓ દેખાય છે. પરંતુ જ્યારે વરસાદ હોય અને આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે ત્યારે ખાડાઓ નહીં દેખાતા હોવાથી અનેક વાહન ચાલકો આ ખાડાઓમાં પડી અને અકસ્માતો પણ સર્જાય છે.
આ અંગે અનેક વખત લોકોએ રજૂઆત કરી હાઇવે રીપેરીંગ કરવાની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી પ્રદેશ પ્રશાસન આંખ આડા કાન કરીને જ બેઠું છે. આજે કોસ્ટલ હાઇવે ની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે અહી ખાડામાં રસ્તો છે. રસ્તામાં ખાડા છે તે કહેવું પણ મુશ્કેલ છે આ ખાડાઓમાંથી પસાર થતાં બહારથી આવતા પર્યટકોની સાથે સ્થાનિક લોકો પણ પરેશાની નો સામનો કરી રહ્યા છે ત્યારે દમણમાં રસ્તાઓની હાલત સુધરે તે જરૂરી છે.