વડોદરા : વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિવાદ સળગી રહ્યો છે. આજે આ યોજનાના લાભાર્થીઓ બિલ્ડરની સાઇટ પર પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ યોજનાની મહિલા લાભાર્થીઓએ બિલ્ડરને રૂબરૂ મળી રજુઆત કરવા કરી માંગ કરી હતી. ત્રણ જેટલી મહિલાઓ બિલ્ડરને મળવા પહોંચી પરંતુ બિલ્ડર  હાજર ન હોવાથી મહિલાઓમાં રોષ વ્યાપ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇકોર્ટનો સ્ટે
શહેરના વારસિયા નજીક આવાસ યોજનામાં કૌભાંડ મામલે થયેલી અરજીને લઈને હાઈકોર્ટે બાંધકામ રોકવાનો આદેશ કર્યો છે. વારસિયા રિંગ રોડ પર સંજયનગર વસાહતના 2 હજાર જેટલા કાચા પાકા મકાનો દોડી દેવાયા હતા. જ્યા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા મકાનો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ યોજનામાં કૌભાંડ થતો હોવાના આક્ષેપ સાથે સામાજીક કાર્યકર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં રજૂઆત કરાઈ છે કે, આવાસ યોજનાની જગ્યાનો અમુક ભાગ ભિક્ષુકો માટે રાખવામાં આવ્યો હતો. પરંતુ તે જમીન ભિક્ષુકોને ફાળવાઈ નથી. તેના કારણે તેમણે ઘરવિહોણા થવાનો વારો આવ્યો હતો.  તંત્ર દ્વારા તેમને નિયમત ભાડુ પણ ચુકવાતું નથી. આ સાથે આક્ષેપ કરાયો હતો કે, ટેન્ડર પ્રક્રિયાનો સમય વિત્યાના 7 દિવસ બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા બિલ્ડરને બાંધકામ ન કરવા આદેશ કરાયો છે. આ મામલે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરાશે. 


શું હતો મામલો?
શહેરમાં સ્લમ ફ્રી સિટી અંતર્ગત વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવાસ યોજના ચાલી રહી છે. જો કે વડોદરામાં આ યોજના અંતર્ગત 20 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો દાવો એક સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. જાગો વડોદરા નામની આ સંસ્થા દ્વારા આ યોજના બંધ કરવા ઉપરાંત તેની તપાસ સીબીઆઇને સોંપવા માટેની માંગ પણ કરવામાં આવી રહી છે. આવેદન પત્ર વડાપ્રધાનને મોકલવા ઉપરાંત જિલ્લા કલેક્ટરને પણ આપવામાં આવ્યું હતું. આ કૌભાંડ મામલે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.