• ભુજના યુવાન દ્વારા ક્રિકેટ મેચ દરમિયાન સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી

  • સંસ્કૃતમાં કોમેન્ટ્રી સાંભળીને પ્રેક્ષકોને પણ થોડીવાર માટે નવાઇ લાગી, પણ બાદમાં મજા આવી


રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :ભુજના જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે ભુજ તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાતી મેચ દરમિયાન કોમેન્ટ્રીમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ કોમેન્ટ્રી સંસ્કૃત ભાષામાં કરવામાં આવી હતી. ક્રિકેટ આમ તો અંગ્રેજોની રમત છે, પરંતુ તે ભારતમાં બહુ પ્રચલિત છે. ત્યારે આ વિદેશી ગેમને ભારતીય ટચ આપવાનો પ્રયાસ કરાયો. ગ્રાઉન્ડ પર વંદેમાતરમથી શરૂ કરીને સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ મેચને સૌથી વધારે રસપ્રદ બનાવવાનું કાર્ય કોમેન્ટ્રી કરતી હોય છે. જે લહેકાથી કોમેન્ટ્રી કરવામાં આવતી હોય છે તેનાથી મેચમાં રોમાંચ પણ જામતું હોય છે. આપે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, કચ્છી કે પછી અન્ય સ્થળોએ સ્થાનિક ભાષામાં કોમેન્ટ્રી સાંભળી હશે. પરંતુ સંસ્કૃત ભાષામાં લાઈવ કોમેન્ટ્રી વિશે કોઈએ વિચાર્યું નહિ હોય. કચ્છના સંસ્કૃત ભારતીના સંયોજક દ્વારા ભુજની એક ક્રિકેટ મેચ દરમિયાન સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી હતી. જેને મેચમાં ભાગ લેનારા ટુર્નામેન્ટના આયોજકો તથા પ્રેક્ષકો રોમાંચિત થયા હતા.


આ પણ વાંચો : ગ્રીષ્માના હત્યારાનો શોકિંગ ઓડિયો, મિત્રને કહ્યુ હતું-'હું તેને ઘરે જઈને મારી નાખીશ'


આજના યુવાનો ક્રિકેટની તરફ ખૂબ વળી રહ્યા છે. કોઈ શરીરની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે તો કોઈ મનોરંજન માટે તો કોઈ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે ક્રિકેટ રમી રહ્યા છે. આજ કાલ ક્રિકેટનો ક્રેઝ પણ ખૂબ વધી રહ્યું છે અને આ જ કારણોસર સ્થાનિક સ્તરે દરેક જગ્યાએ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. ભુજમાં બ્રહ્મ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ ટુર્નામેન્ટમાં લાઈવ કોમેન્ટ્રી કચ્છી, ગુજરાતી કે હિન્દીમાં નહીં પણ સંસ્કૃત ભાષામાં કરવામાં આવી હતી. જે ભાગ લેનારા ખેલાડીઓ માટે ઉપરાંત પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભુજના જ્યુબિલિ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની યુવા પાંખ દ્વારા ગત સપ્તાહથી યુથ પ્રીમિયર લીગ નામથી યુવાનો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં એક દિવસ માટે ભુજના યુવા અમિત ગોર દ્વારા સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી હતી. આયોજકોએ અમિતને સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરવા વિનંતી કરી, જેના કારણે અમિત પણ પ્રોત્સાહિત થયા હતા અને તેમણે અંગત રસ દાખવીને સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરી હતી.


ભુજમાં શનિવાર અને રવિવારના યોજાયેલી મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી સાંભળીને પ્રેક્ષકોને પણ થોડીવાર માટે નવાઇ લાગી હતી. ક્રિકેટ મેચમાં અનેક એવા મહત્વના શબ્દો છે જેના વગર લાઈવ કોમેન્ટ્રીની કોઈ મજા નથી. આવા જ કેટલાક શબ્દોનું આ ક્રિકેટ મેચ દરમિયાન અમિતભાઇએ સંસ્કૃત ભાષામાં અનુવાદ શોધ્યા હતા અને કોમેન્ટ્રી શરૂ કરી હતી. સંસ્કૃત ભાષામાં માહેર અમિતભાઇએ એક ગુજરાતી કોમેન્ટેટર પોતાની સાથે મળીને તેનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું.


આ પણ વાંચો : બે વર્ષ બ્રેક બાદ આજથી રણજી ટ્રોફી રમાશે, પ્લેયર્સ માટે મૂકાયા ખાસ નિયમો


લાઈવ મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરતી વખતે ઉપયોગમાં લેવાયેલ શબ્દો અંગે વાતચીત કરતા અમિતભાઈ ગોરે જણાવ્યું હતું કે, સંસ્કૃતમાં ક્રિકેટને क्रिकेटक्रीडा અથવા कंदूकक्रीडा કહેવામાં આવે છે. ક્રિકેટની પીચને क्षिप्या, બેટને वैट, બોલને कंदुकम, વિકેટકીપરને स्तोभरक्षकः કહેવામાં આવે છે. એવી જ રીતે अवक्षिप्तम (Short pitch), गृहीतः (Catch out), स्तोभितः (Stump out), धाविन्नष्टम (Run out), गेंदितः (Bold), पादवाधा (LBW), अपकंदुकम (Wide ball), नोकंदुकम (No ball), वेधः (Hit), चतुष्कम (Four), षठकम (Six), धावनम (Run), निर्णायकः (Umpire), वल्लकः (Batsman), गेंदकः (Bowler), चक्रगेंदकः (Spinner), स्तोभः (Wicket), पर्यासः (Over), घातगेंदु (Bounce), वेद्यम (Target) વગેરે શબ્દોનો પ્રયોગ લાઈવ કોમેન્ટ્રી દરમિયાન કરવામાં આવ્યો હતો
 
સંસ્કૃતમાં કોમેન્ટ્રી અંગે અમિતભાઈ ગોરે જણાવ્યું હતું કે, તેઓ પોતે વ્યવસાયે શિક્ષક છે. તેમણે પોતે શાળા દરમિયાન ક્યારેય સંસ્કૃતનો કોઈ ખાસ અભ્યાસ કર્યો ન હતો, પરંતુ સંસ્કૃત ભારતી સંસ્થાના સંસ્કૃત વર્ગો ભરવાનું શરૂ કર્યું અને આજે તેઓ સંસ્થામાં જોડાયેલા અન્ય લોકોને સંસ્કૃત બોલતા શીખવે છે. ઉપરાંત આ સંસ્કૃત ભાષાનું સંરક્ષણ કરવું પણ અનિવાર્ય છે. સંસ્કૃત ભાષા છે તે ખૂબ સરળ છે અને જો તમે ભાષાને પ્રેમ કરો છો તો ભાષાને સંભાળવાની જવાબદારી પણ તમારી જ છે. ઉપરાંત આ ક્રિકેટ મેચ જેવા આયોજનો અવારનવાર થતાં રહેવા જોઈએ તેવું જણાવ્યું હતું.