નર્મદાની જળસપાટી 113.46 મીટરે પહોંચી, 24 કલાકમાં 4.75 ફૂટનો વધારો નોંધાયો
રાજપીપળાઃ ગુજરાતની સાથે-સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ મેઘો મહેરબાન થયો છે. છેલ્લા બે દિવસથી ત્રણેય રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં થયેલા આ વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમના જળસ્તરમાં 4.75 ફૂટના વધારા સાથે જળસપાટી 113.46 મીટર પર પહોંચી છે.
ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે સરદાર સરોવરમાં પાણીની આવક ભરપૂર ચાલુ થઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો નોંધાયો છે. ડેમની જળસપાટીમાં દર કલાકે 12થી 13 સેમીનો વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 73,879 ક્યુસેક નોંધાઈ છે.
ગોડબોલે ડેમમાંથી 627 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે હાલ સરદાર સરોવરની જળસપાટી 113.46 મીટર પર પહોંચી ગઈ છે.
સરદાર સરોવરમાં જળસપાટીમાં વધારો થાય તેના માટે કેનાલ હેડ પાવર હાઉસને પણ બંધ કરવામાં આવ્યું છે.