સરદાર સરોવર ડેમની જળસપાટી 121.72 મીટર પર પહોંચી, દર કલાકે 2 સેમીનો વધારો
ડેમનાં CHPH પાવર હાઉસનાં 2 યુનિટ ચાલુ કરાયા. જેમાં કુલ મળીને 50 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ
નર્મદા: નર્મદા નદીના હેઠવાસના વિસ્તારોમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ચાલુ છે. છેલ્લા બે ત્રણ દિવસથી મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી 121.72 મીટર પર પહોંચી છે.
ડેમ પરથી મળતી માહિતી મુજબ હાલ ડેમના પાણીમાં દર કલાકે 2 સેમીનો વધારો થઈ રહ્યો છે. ધીમી ધારે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ઉપરવાસમાંથી 22342 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે હાલ ડેમની સપાટી 121.72 મીટર પર પહોંચી છે. ડેમમાં અત્યારે 1520.95 MCM લાઇવ પાણીનો જથ્થો છે.
ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થઈ જતાં ડેમનાં CHPH પાવર હાઉસનાં 2 યુનિટ ચાલુ કરાયા. જેમાં કુલ મળીને 50 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. હાલ રાજ્યને નર્મદાની મુખ્ય કેનાલમાંથી 7043 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે.