બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા સતીષ નિશાળિયા, ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીની વરણી
બરોડા ડેરીની આજે યોજાયેલી ચૂંટણી બિનહરીફ અને નિર્વિવાદિત રીતે પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલી બરોડા ડેરીને નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ મળી ગયા છે.
રવિ અગ્રવાલ, વડોદરાઃ બરોડા ડેરીને નવા પ્રમુખ મળી ગયા છે. બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે સતીષ નિશાળિયાની નિમણૂંક કરવામાં આવી છે. તો ઉપપ્રમુખની કમાન જીબી સોલંકીને મળી છે. બરોડા ડેરીની ચૂંટણીમાં સર્વસંમતિથી ડિરેક્ટરોએ પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરી છે. એટલે કે બરોડા ડેરીની ચૂંટણી બિનહરીફ થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અનેક અટકળોનો અંત આવ્યો છે અને બરોડા ડેરીની ચૂંટણી કોઈ વિવાદ વગર પૂર્ણ થઈ ગઈ છે.
હવે સતીષ નિશાળિયાના હાથમાં ડેરીની કમાન
વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે સતીષ નિશાળિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપ પ્રમુખ તરીકે જીબી સોલંકી નિમાયા છે. બરોડા ડેરીની ચૂંટણીમાં ગોરધન ઝડફિયા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેતન ઈનામદાર, ચૌતન્યસિંહ ઝાલા, અક્ષય પટેલ, ધર્મેન્દ્ર સિંહ વાઘેલા હાજર રહ્યાં હતા.
આ પણ વાંચોઃ ગુજરાતના કુલ 206 જળાશયોમાં હાલ કેટલું પાણી છે? જાણો જળાશયોની સ્થિતિ
બરોડા ડેરીની ચૂંટણી અંગે રવિવારે ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યુ હતુ કે સોમવારે બપોરે ત્રણ કલાકે ચૂંટણી યોજાવાની છે. તેમણે કહ્યું હતું કે બરોડા ડેરીના તમામ ડિરેક્ટરો ભાજપના મેન્ડેટને સ્વીકારશે. નોંધનીય છે કે બરોડા ડેરીની ચૂંટણી પહેલા વડોદરાના સર્કિટ હાઉસ ખાતે ભાજપના નિરીક્ષક ગોરધન ઝડફિયા અને રઘુભાઈ હુબ્બલ દ્વારા ડિરેક્ટરોની સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube