Loksabha Election 2024: એક તરફ સરકાર અને ભાજપનું સંગઠન ક્ષત્રિયોને શાંત કરવા માટે પ્રયાસોમાં લાગ્યું છે. બીજી તરફ એક પછી એક જિલ્લામાં રોષની આગ ભભૂકી રહી છે. સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ક્ષત્રિયો લાલઘૂમ જોવા મળી રહ્યા છે. જુઓ લાલચોળ થયેલા રાજપૂતોના રાજ્યમાં વિરોધનો આ અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલા સામે ક્ષત્રિયો આર યા પારના મૂડમાં
આક્રોશની આગ ક્યારે બુઝાશે તે કહેવું હાલ ભૂલ ભરેલું છે. કારણ કે આ આગને બુઝાવવાનો ઘણીવાર પ્રયાસ થયો અને થઈ પણ રહ્યો છે. પરંતુ આ આગ ઓછી થવાની જગ્યાએ વધુને વધુ તિવ્ર બની રહી છે. સૌરાષ્ટ્રમાંથી શરૂ થયેલો વિરોધ હવે ગુજરાતના દરેક જિલ્લા સુધી પહોંચી ગયો છે. ગુજરાતભરમાં વસતો રાજપૂત સમાજ લાલચોળ છે. તેમનું લોહી ઉકળી ઉઠ્યું છે. ગુસ્સો એટલો છે કે જો રાજાશાહી હોત તો કદાચ કેસરિયા કરી નાંખ્યા હોત. પરંતુ હાલ લોકશાહી છે તો ક્ષત્રિયો કલમની તાકાત બતાવી આવેદનપત્રો આપી રહ્યા છે. ફરિયાદો નોંધાવી કાયદાનો માર્ગ અપનાવી રહ્યા છે. ઉગ્ર સુત્રોચ્ચાર કરી પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. પોતાની એક જ માગ મનાવવા માટે તેઓ મક્કમ છે કે, રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે...જ્યાં સુધી રૂપાલાનું નામ રાજકોટમાંથી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી રોષ રૂપી આ અગનજ્વાળા શાંત નહીં થાય.


અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં વિરોધ
તો પહેલા રાજ્યના મહાનગર અમદાવાદમાં ક્ષત્રિયોના વિરોધમાં સમસ્ત ક્ષત્રિય સમાજના બેનર હેઠળ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ એકઠા થઈ રેલી કાઢી હતી. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ વિરોધમાં ક્ષત્રિયોની સાથે ક્ષત્રિયાણીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. અને તેમણે રાજકોટમાંથી ઉમેદવાર બદલવાની માગ કરી હતી.


મહાનગરો પછી નાના નગરોમાં પણ આક્રોશની આગ
અમદાવાદ બાદ કરીએ સૌરાષ્ટ્રની તો રાજકોટ અને જૂનાગઢમાં પણ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ પ્રદર્શન કર્યું હતું. ઉપલેટાના ખાખી જાળિયા ગામમાં ક્ષત્રિય સમાજે ભારે વિરોધ કર્યો હતો. દરબારગઢ વિસ્તારમાં એકઠા થયેલા લોકોએ પોતાની માગણીઓ મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂનાગઢના કેશોદમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો.


રોડ પરની લડાઈ હવે સોશિયલ મીડિયા સુધી પહોંચી
રૂપાલા સામે વિરોધની આગ મહાનગર કે નાના શહેરો જ નહીં પરંતુ નાના ગામડાઓમાં પણ પહોંચી ગઈ છે. ક્ષત્રિય સમાજે વિવિધ ગામમાં પોસ્ટર લગાવી વિરોધ શરૂ કર્યો છે. વડાળી, ખાખડાબેલા, હડમતિયા જંક્શન સહિતના ગામમાં આ પોસ્ટર લાગ્યા છે. જેમાં ભાજપને ચીમકી આપવામાં આવી છે કે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપનો પ્રચાર કરવા માટે આવવું નહીં... તો સોશિયલ મીડિયા પણ અનેક પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે. 


રૂપાલા સામે ક્ષત્રિયોએ શરૂ કર્યું પોસ્ટર વૉર
તો સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં પણ રાજપૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. બેનર્સ અને પોસ્ટર્સ સાથે ક્ષત્રિય સમાજના લોકોએ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપી રૂપાલાને ટિકિટ કપાય તેવી માગ કરાઈ હતી. વિરોધના વંટોળ વચ્ચે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજની સૌથી મોટી બેઠક બોલાવવામાં આવી છે. જેમાં 92 સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. જોવાનું રહેશે કે વિરોધની આગ ક્યારેય બુઝાય છે.