Porbandar News : સમય એવો આવી ગયો છે કે, લગ્ન કરો તો તકલીફ અને ન કરો તો ય તકલીફ. કુંવારા રહ્યા તો સમાજ વાતો કરે, અને ક્યારેક પરણ્યા બાદ એવી મુસીબત આવે કે ભારે પડી જાય. તેમાં પણ મેટ્રિમોનિયલ સાઈટની ભરમાર વચ્ચે લોકો એવા છેતરાય છે કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે. પોરબંદરના એક મુરતિયાને ઓનલાઈન સાઈટ પરથી જીવનસાથી પસંદગી કરવી ભારે પડી. યુવકે સાઈટ પર યુવતીની પસંદગી કરીને રંગેચંગે લગ્ન કર્યા, પરંતું બાદમાં તેને પત્ની વિશે એવુ ખબર પડી કે, તેના પગ તળેથી જમીન ખસી ગઈ. પોરબંદરના મુરતિયાની પત્ની હકીકતમાં આસામની લેડી ડોન નીકળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એવુ હતું કે, પોરબંદરનો એક યુવક શાકમાર્કેટમાં વેપાર કરે છે. લગ્ન માટે શાદી ડોટ કોમ સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. જ્યાં તે આસામના ગુવાહાટીની યુવતી રીટા દાસના સંપર્કમાં આવ્યો હતો. રીટાએ પોતાની પ્રોફાઈલમાં ડિવોર્સી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. લગ્ન પહેલા યુવકે રીટા પાસેથી તેના ડિવોર્સના પુરાવા માંગ્યા હતા, જેથી રીટાએ તે આપવા ગલ્લાતલ્લા કર્યા હતા. તેણે કહ્યુ હતું કે તેના બાળલગ્ન થયા હોવાથી તેની પાસે સર્ટિફિકેટ નથી. બાદમાં રીટાએ યુવકને લગ્ન માટે તૈયાર કર્યો હતો. રીટાએ પોતે ગરીબ હોવાનું પણ જણાવ્યુ હતં. તેમજ તેણે પોતાને આધ્યાત્મિક વ્યક્તિ ગણાવી હતી. શરૂઆતમાં એક મહિના સુધી બંનેએ ફોન પર વાતચીત કરી હતી, બાદમાં અમદાવાદમાં બંનેએ મુલાકાત કરી હતી. જેથી પોરબંદરનો યુવક તેની સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો. 


લગ્ન માટે રીટા અમદાવાદ યુવકને મળવા આવી હતી. ત્યારે તેણે જણાવ્યુ હતું કે, તે ગરીબ પરિવારમાંથી છે, અને તેના ભાઈ-ભાભી મજૂરીકામ કરે છે. તેની માતા સતત બીમાર રહે છે, તેથી કોઈ મારી સાથે આવ્યુ નથી. મુલાકાતના એક અઠવાડિયા બાદ હિન્દુ વિધિ મુજબ બંનેએ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના છ મહિના બાદ એવુ એવુ બનતુ ગયુ કે યુવકને રીટા વિશે શંકા જવા લાગી. પોતાની ગરીબ કહેતી રીટા હજારો રૂપિયાની કોસ્મેટિક વાપરતી હતી. તે કપડા-ચપ્પલની ખરીદી પણ 2-3 હજારથી ઓછા રૂપિયાની ન કરતી. ફરવા જાય તો એસી ટ્રેનમાં બેસવાની જીદ કરે અથવા કારની માંગણી કરે. એના બાદ રીટાએ નોનવેજ ખાવાની માંગણી કરી. યુવકનો પરિવાર વૈષ્ણવ હોવાથી તેઓ તેની નોનવેજની માંગણી પૂરી કરી શકે તેમ ન હતા. 


આવામાં એકવાર યુવકે પત્ની રીટાનો ફોન જોયો તો તે ચોંકી ગયો હતો. અન્ય પુરુષ સાથે રીટાના કપલની જેમ પાડેલા ફોટો હતા. બાદમાં રીટા બિયર પીતી હોવાનું પણ ખૂલ્યુ હતું. એક બાદ એક રીટાના રાઝ ખૂલતા પતિ રીતસરનો ચોંકી જતો. પરંતુ એક દિવસે રીટાએ આસામ જવાની વાત કરી હતી. તેણે પતિને કહ્યું કે, તેનો આસામમાં જમીનનો કેસ ચાલે છે તેથી જવુ પડશે. તેથી તે પતિનું એટીએમ કાર્ડ, 5 હજાર કેશ અને એક મોબાઈલ લઈને આસામ ગઈ. પરંતુ આસામ ગયા બાદ રીટાએ ફોન રિસીવ કરવાના બંધ કર્યા હતા. બાદમાં તેની અટકાયતના સમાચાર પતિ પાસે આવ્યા હતા. 


આખરે પોરબંદરના યુવકે તપાસ કરતા જાણવા મળ્યું કે, રીટા દાસનું સાચું ના રીટા ચૌહાણ છે. જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેના પર આર્મ્સ કેસ, ચોરી, લૂંટફાટ, ગેંડાનો શિકાર, સ્મગલિંગ જેવા ગંભીર ગુનામાં ચાલે છે. તેના બાદ યુવકે ગૂગલ સર્ચ કર્યું તો રીટા ચૌહાણ ઈન્ટરનેશનલ કારચોરની પત્ની નીકળી હતી. આમ, આ જાણીને પતિના હોંશ ઉડી ગયા હતા. 


આથી યુવક આ મામલો લઈને પોરબંદર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પત્ની આ રીતે ગંભીર ગુનામાં સંડોવાયેલી હોવાથી યુવકે NIA,ATS(ગુજરાત અને આસામ),CBI ભારતના રાષ્ટ્રપતિ, PMO ઓફિસ, આસામના પોલીસવડા, આસામના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહ વિભાગને પોતાની સાથે બનેલી આ ઘટના અંગેની નકલો મોકલી છે.